જૂનાગઢમાં પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સને મોકલનાર સપ્લાયરની રાજસ્થાનથી ધરપકડ

અગાઉ પકડાયેલા આરોપીએ મુખ્ય સૂત્રધારનું નામ આપતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના રામદેવપરા ( કસ્તુરબા સોસાયટી ) વિસ્તારમાંથી અગાઉ પોલીસે ડ્રગ માફીયા હરેશ વદરને નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ૨૩૩.૭૮ ગ્રામ કિ.રૂ.૨૩,૩૭,૮૦૦ તથા રોકડા રૂ.૪૯,૮૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૫૭,૬૦૦ સાથે ઝડપી લીધો હતો. આ આરોપીએ પોલીસની પૂછપરછમાં તેને ડ્રગ્સ આપનાર મૂળ સૂત્રધારનું નામ આપતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે રાજસ્થાનથી આ મેફેડ્રોન ડ્રગ્સના સપ્લાયર સત્યેન્દ્ર જાટને જોધપુર, ખાતેથી દબોયી લીધો હતો.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને તેમજ જિલ્લામાં નશીલા માદક પદાર્થો (એન.ડી.પી.એસ) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ આ પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી ની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા

દરમિયાન આજે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.કોન્સ, દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરાને સંયુકતમાં અગાઉથી હકિકત મળેલ કે, જૂનાગઢ, રામદેવપરા (કસ્તુરબા સોસાયટી)માં રહેતો હરેશ ભુપતભાઇ વદર મેર પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાને મોડી રાત્રીના ડ્રગ્સના જથ્થાનું ડિલીંગ થવાનું છે. જે હકિકત આધારે જૂનાગઢ રામદેપરા (કસ્તુરબા સોસાયટી ), શેરી નં.૪ ના નાકેથી હરેશ ભુપતભાઇ વદર મેફેડ્રોન ડ્રગ્સ ૨૩૩.૭૮ ગ્રામ કિ.રૂા. ૨૩,૩૭,૮૦૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂા.૨૮,૫૭,૬૦૦ સાથે પકડી પાડી મુદામાલ કબ્જે કરી આરોપીને હસ્તગત કરી એ ડીવીજન પો.સ્ટે. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો રજી કરાવવામાં આવેલ હતો.

આ ગુન્હાની તપાસ દરમ્યાન હરેશ ભુપતભાઇ વદરની પુછપરછ દરમ્યાન પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથો સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ રહે હાલ સુરત (મુળ) નારનોલ, હરીયાણા વાળા પાસેથી લઇ આવેલ હોવાનુ જણાવતા. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી તથા એસ.ઓ.જી.શાખાના પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ડેર નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, આરોપી સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ રહે.હરીયાણાવાળો હાલ જોધપુર, રાજસ્થાન ખાતે છુપાયેલ છે. જે હકિકત આધારે તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી જોધપુર રેલ્વે સ્ટેશન પાસેથી રાઉન્ડ અપ કરી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ખાતે લાવી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે એ ડીવીજન પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ છે.