પોતાની તથા નાની બહેનની છેડતી કરી જાતીય સતામણી કરાતા મોટી બહેનનો આત્મહત્યાનો પ્રયાસ

વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં બનેલા બનાવમાં બે શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં બે શખ્સોએ એક પરિવારની બે સગીર વયની દીકરીની છેડતી કરીને પજવણી કરી હતી. જો કે પોતાની તથા નાની બહેનની છેડતી કરી જાતીય સતામણી કરાતા આ બાબતે લાગી આવતા મોટી બહેનેએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને શખ્સો સામે પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા તેના ગામના નદીમ ઈબ્રાહીમ સર્વદી ફકીર, આદિલ મહેબુબશા ફકીર સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપીએ ફરીયાદી સગીરા પાસે જાતીય માંગણી કરવા ખરાબ ઈશારા કરી પીછો કરી તથા બીજા આરોપીએ ફરીયાદીની નાની બહેનને ખરાબ ઈશારા કરી હાથ પકડી લઈ છેડતી કરી બન્ને આરોપીઓએ અવાર-નવાર ફરીયાદી તથા તેની નાની બેન સાથે છેડતી જાતીય સતામણી કરતા ફરીયાદીને લાગી આવતા હારપીકસ એટલે ટોયલેય સાફ કરવાનું કેમિકલ પી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જેની સારવાર દરમિયાન સ્વસ્થ થતા સગીરાએ બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.