પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે : ગાંધીજી

23 એપ્રિલ : આજે વિશ્વ પુસ્તક દિન તથા વિશ્વ કૉપીરાઇટ દિવસ
જાણો.. પાંચ મહાન વ્યક્તિત્વોના સુવિચારો

તા. 23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મદિન તથા પુણ્યતિથિ છે.તદુપરાંત આ દિવસ કૉપીરાઇટ ડે તરીકે પણ મનાવાય છે. શેક્સપિયરનું 1616માં પોતાના જન્મદિને જ પોતાનું મૃત્યુ થયું. ત્યારથી સમગ્ર વિશ્વમાં શેક્સપિયરની પૂણ્યતિથિ ‘વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવાય છે. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચાર હેતુ આ દિવસની ઉજવણી થાય છે.

જ્ઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન એ એક મહત્ત્વનો આધાર છે. માનવજાતિએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જ્યારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી જ્ઞાન લિપિબદ્ધ કરીને સંગ્રહ કરવામાં આવે છે. દેશ-વિદેશના અનેક કવિ, લેખકો અને ચિંતકોએ પુસ્તકોના માહાત્મ્ય વિષે જણાવ્યું છે. ત્યારે તેમાંથી પાંચ મહાન વ્યક્તિત્વોના વિચારો જાણીએ.

1. સાચો સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. સારાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. એટલે કે મહાત્મા ગાંધીએ કહ્યું છે, “સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે.” ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે “પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે.”

2. પુસ્તકમાં ઈશ્વર અક્ષર સ્વરૂપે બિરાજે છે. એટલે જ રમેશ પારેખ કહે છે કે “આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે મારાં પુસ્તકોની છાજલી.”

3. લોકમાન્ય તિલકે કહ્યું છે, “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.

4. મિલ્ટન કહ્યું છે, “પુસ્તકોમાં આત્માનું જીવન છે. કેમ કે એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સદગ્રંથોનો કદી નાશ થતો નથી.”

5. સિસરોએ કહ્યું છે, “ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે.