તાજા બનાવેલા ડામર રોડ ઉપર વાહન ચલાવવાની ના પાડતા સુપરવાઇઝર સહિત ચાર ઉપર હુમલો

માળીયા હાટીનાના ગડુ ગામે ખોરાસા રોડ ઉપર છ જેટલા વાહન ચાલકોએ સોડા બોટલ અને પથ્થરમારો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના ગડુ ગામે ખોરાસા રોડ ઉપર તાજેતરમાં નવો ડામર રોડ બનાવ્યો હોય ત્યથી નીકળતા વાહન ચાલકોએ આ તાજા રોડ ઉપર નહિ ચાલવા અને ડાઈવર્ઝન ઉપરથી નીકળવાનું કહેતા ઉશ્કેરાયેલા છ જેટલા વાહન ચાલકોએ સુપરવાઝર અને તેમની ટીમ ઉપર સોડા બોટલ અને પથ્થરમારો કર્યો હતો.આથી સુપરવાઇઝર સહિત ચાર લોકો ઘવાયા હતા. આ બનાવ અંગે તેમણે છ જેટલા વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અનીલભાઇ લખમણભાઇ પરમાર (ઉવ.૨૨ રહે.નવાગામ તા.કોડીનાર)એ આરોપીઓ અબ્બાસભાઇ, હનીફભાઇ, મોસલો, અજાણ્યા ત્રણ માણસો (રહે.બધા ગડુ ગામે તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી કન્કેશ્વરી એન્ટરપ્રાઇઝમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે.

સુપરવાઇઝરના નાતે ગડુ ગામે ખોરાસા રોડ ઉપર નદીનાં પુલ પાસે ડામર પાથરવાનું કામ ચાલુ હોય ત્યારે ફરીયાદી સુપર વાઈઝર તરીકે આવતા જતા વાહન ચાલકોને તાજા ડામર રોડ ઉપર વાહન નહીં ચલાવવાનાં અને ડાઇવર્ઝનનાં રસ્તે વાહન ચલાવવા સુચનાં આપતા હતા. દરમિયાન એક આરોપી મોટર સાઇકલ ચલાવી આવેલ અને ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો કાઢેલ એવમાં અન્ય આરોપીઓએ આવી જઇ ફરીયાદી તથા તેમની સાથેનાં માણસોની સાથે ઝઘડો કરી ગાળો કાઢી છુટા પથ્થરનાં તથા સોડા બોટલનાં ઘા મારી ફરીયાદી તથા અન્ય ત્રણ સાહેદોને શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.