વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં સરપંચના પુત્રને લાફાવાળી

બન્ને ભાજપના હોદ્દેદારો વચ્ચે ગ્રાન્ટ બાબતે માથાકૂટ થયા બાદ તાલુકા પંચાયતના સભ્યના પતિએ સરપંચના પુત્રને માર્યો માર

જૂનાગઢ : વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં ખુદ પ્રમુખની હાજરીમાં જ બે ભાજપના અગ્રણીઓ વચ્ચે જામી પડી હતી. આ બન્ને ભાજપના હોદ્દેદારો વચ્ચે ગ્રાન્ટ બાબતે માથાકૂટ થયા બાદ તાલુકા પંચાયતના સભ્યના પતિએ સરપંચના પુત્રને લાફાવાળી કરી હતી. આથી આ મામલે તાલુકા પંચાયતના સભ્યના પતિએ સરપંચના પુત્રને માર્યો માર હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

વિસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખની રૂબરૂમાં ભાજપના જ બે અગ્રણી જેમાં રતાંગના સરપંચના પુત્ર અરવિંદભાઈ સાંગાણી અને સામાપક્ષે તાલુકા પંચાયતના સભ્યના પતિ અશોક માળવીયા વચ્ચે ગ્રાન્ટ બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં મામલો બીચકતા ઉશ્કેરાયેલા તાલુકા પંચાયતના સભ્યના પતિ અશોક માળવીયાએ રતાંગના સરપંચના પુત્ર અરવિંદભાઈ સાંગાણીને ફડાકા ઝીકી દીધા હતા. આથી તાલુકા પંચાયતના સભ્યના પતિએ સરપંચના પુત્રને માર્યો માર હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે રતાંગ ગામના સરપંચના પુત્ર અરવિંદભાઇ ભનુભાઇ સાંગાણીએ અશોકભાઇ જેરામભાઇ માળવીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, વિસાવદર તાલુકા પંચાયત કચેરી તાલુકા પ્રમુખની ચેમ્બરમાં આરોપીને ગ્રામ પંચાયતની ગ્રાન્ટ બાબતે મનદુખ થતા ફરીયાદીને ગાળો આપી જાપટોનોં મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.રતાંગના સરપંચના પુત્ર અરવિંદભાઈ સાંગાણીની આ ફરિયાદના આધારે પોલીસે તાલુકા પંચાયતના સભ્યના પતિ અશોક માળવીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે આ બન્ને ભાજપના હોદ્દેદારો છે અને ભાજપના જ બંને હોદ્દેદારો વચ્ચે ગ્રાન્ટને લઈ વિવાદ થતા વાત મારામારી સુધી પહોંચી હતી. આથી આ બનાવને લઈને ભારે ચકચાર મચી ગઇ છે.