ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાના પેપર નબળા જવાથી વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો

માણાવદરમાં ભણતરના ભાર હેઠળ વિદ્યાર્થીનીનું જીવન કચડાતા પરિવારમાં ભારે અરેરાટી

જૂનાગઢ : ભણતરના ભાર હેઠળ વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને આત્મઘાતી પગલાં ભરી લેતા હોવાની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે.જેમાં માણાવદરમાં રહેતી વિદ્યાર્થીનીના તાજેતરમાં લેવાયેલી ધો.૧૨ની પરિક્ષાના પેપર નબળા જતા ઓછા ગુણ કે પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તેણી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ભણતરના ભાર હેઠળ વિદ્યાર્થીનીનું જીવન કચડાતા પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.

માણાવદર પોલીસ મથકેથી આ દુઃખદ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદરના મીતડી રોડ ઉપર આવેલ એન.જી.મીલ પાછળ રહેતા રાજેશભાઇ મનસુખભાઇ ઉભડીયાના ૧૭ વર્ષની દીકરી પ્રીયાબેને ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક પ્રીયાબેન ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા હતા અને ધોરણ-૧૨ સાયન્સની બોર્ડની એક્ઝામ ગઇકાલે પુરી થઈ હતી. પરંતુ પ્રીયાબેનને આ બોર્ડની પરીક્ષાનાં પેપર નબળા ગયા હોય તેની ચિંતા સતાવતી હતી. બોર્ડની પરીક્ષાના પેપર નબળા જવાથી પોતે નાપાસ થશે કે ઓછા ગુણ આવશે તેવી ચિતાને કારણે ભારે હતાશ થઈ જતા તેણીએ પોતાની મેળે ઘરનાં ઉપરનાં માળે ગાળફાંસો ખાઇને જીવ દઈ દીધો હતો.

કારકિર્દી માટે ચિંતા થવી એ સહજ અને સ્વભાવિક છે. એના માટે તનતોડ મહેનત કરવી જોઈએ અને ચિંતાને મન ઉપર હાવી થવા દેવી જોઈએ નહીં. કારકિર્દી તો જીવનનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમ પડકાર સામે હારી જશું તો ક્યાંથી ચાલશે, કારણ કે જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. જીવનમાં આવા પડકારો ડગલે ને પગલે આવવાના જ છે. આથી એનો મુકાબલો કરીને જીવી જાણે તે જ સાચો વિદ્યાર્થી છે. આ બધી શિક્ષણની સિદ્ધાંતવાદી વાતો માત્ર પરીક્ષાલક્ષી જ નહીં પણ જીવનમાં પણ વણી લેવી જોઈએ.