અક્ષયગઢથી કેશોદ રોડ ઉપર ડમ્પરે ડબલસવાર બાઈકને ઠોકરે ચડાવતા એકનું મોત

ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો

જૂનાગઢ : અક્ષયગઢથી કેશોદ રોડ ઉપર ડમ્પરે ડબલસવાર બાઈકને ઠોકરે ચડાવતા બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રતાપભાઇ ભગવાનજીભાઇ સોલંકી (ઉવ.૨૬ રહે.ફાગળી ગામ તા.કેશોદ)એ આરોપી અજાણ્યો ડમ્પરનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના નં GJ. 11. CE. 2322ના બાઈક લઇને રાણીકપરા ગામેથી કેશોદ જતા હતા, ત્યારે ડાયાભાઇના મકાન પાસેથી એક અજાણ્યા વ્યકિતને બાઈકમાં પાછળની શીટ ઉપર બેસાડીને જતા હતા. ત્યારે અક્ષયગઢ આગળ વણાંક પાસે પહોચતા સામેથી એક ડમ્પર ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી આવતા જોઇ બાઈક સ્લીપ થઇ જતા બંન્ને નીચે પડી જતા સીટ ઉપર પાછળ બેઠેલો વ્યકિત ડમ્પરના હડફેટે આવી જતા શરીરે તથા માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.