કારમાં થયેલા નુકશાનીના વધુ પૈસા આપવાની ના પાડતા યુવાન ઉપર હુમલો

જૂનાગઢના શાંતેશ્વર રોડ ઉપર થયેલી મારામારીમાં ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના શાંતેશ્વર રોડ ઉપર કારમાં નુકશાન થયા બાદ તેનું વળતર ઉપરાંત એ સિવાયના વધુ પૈસા આપવાની યુવાને ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિકીભાઇ સુરેશભાઇ કુડલાણી (રહે.ઝાઝરડા રોડ મહેશનગર વાળી ગલીમા જુનાગઢ)એ આરોપીઓ હિતેશભાઇ, રાજુભાઇ, સાગરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ એક આરોપીની ફોર વ્હીલ ગાડી ફરવા માટે લઇ ગયેલ અને તે ફોર વ્હીલ ગાડીનુ અકસ્માત થતા ગાડીમા નુકસાન થયેલ જે ખર્ચા સિવાયના ઉપરના પૈસા આરોપી ફરિયાદી પાસે માગતો હોય જેથી ફરિયાદીએ ના પાડતા આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ફરિયાદીને ત્રણેય આરોપીઓએ ગાડીમા બેસાડી એક આરોપીની ઓફિસે લઇ જઇ ઢીકાપાટુ નો માર મારેલ તેમજ બન્ને પગમા પાઇપ વડે મુંઢ ઇજા કરી હતી.