જૂનાગઢના પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ મેનની પત્ની સંચાલિત જુગારધામ ઝડપાયું

બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે જુગાર રમતા પોલીસ મેનની પત્ની સહિત ચારને ઝડપી લીધા

જૂનાગઢ : જૂનાગઢની બી ડિવિઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ મેનની પત્ની સંચાલિત જુગારધામને ઝડપી લીધું હતું અને બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે જુગાર રમતા પોલીસ મેનની પત્ની સહિત ચારને ઝડપી લીધા હતા. જો કે ખુદ પોલીસ મેનની પત્ની જ પોલીસ હેડ કવાર્ટરમાં જુગારધામ ચલાવતી હોવાનું બહાર આવતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

જૂનાગઢની બી ડિવિઝન પોલીસ.મથકના પીઆઇ આર.એસ.પટેલને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢના જયશ્રી રોડ આવેલ પોલીસ હેડ કવાર્ટરના બી-૦૧ લાઇન બ્લોક નં ૦૯માં રહેતા ખુદ એક પોલીસ મેનની પત્ની નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટાફ એ કવાર્ટરમાં ત્રાટક્યો હતો અને પોલીસ હેડ કવાર્ટર જુગારધામ ચલાવતી પોલીસ મેનની પત્ની ગૌરીબેન રમેશગીરી અપારનાથી તેમજ અન્ય જુગાર રમતા આરોપીઓ ઝાઝીબેન ભીમાભાઇ ઓડેદરા, મનહરસિંહ કરશનભાઇ દયાતર લાલચંદ નાનાલાલ મડીયાને રોકડ રૂ.૪૬૧૫૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે જૂનાગઢમાં જુગારની બદી ઉપર અંકુશ લાવવા માટે મથામણ કરતી પોલીસે હવે ખુદના એક કર્મચારીની પત્નીના જુગારધામને ઝડપી લઈને કાયદો બધા માટે એક સમાન હોવાનું પુરવાર કર્યું છે.