જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું

પોતાના મકાનમાં બહારથી લલના બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી મહિલા સહિત બેની ધરપકડ

જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં ધમધમતા કૂટણખાનાને ઝડપી લીધું હતું. તેમજ પોતાના મકાનમાં બહારથી લલના બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવતી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. જૂનાગઢના ભદ્ર વિસ્તારમાં કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી ગઇ છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ સહિતના સ્ટાફે ગઈકાલે જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાછળ આવેલ મહેશ કોમ્પલેક્ષ બીજા માળે બ્લોક નં.૨૦૧માં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન આરોપીઓ રૂપાબેન રામપ્રસાદ રોય (ઉવ ૪૮ રહે જુનાગઢ મધુરમ બાયપાસ, સાઇબાબા મંદીર વાળી ગલીમાં ભાડેથી મકાનમાં હાલ જુનાગઢ ઝાંઝરડા રોડ મહેશ કોમ્પલેક્ષ બ્લોક ૨૦૨), રોહીત જયસુખભાઇ કવા (ઉવ ૨૦ રહે ખામદ્રોળ રોડ ખોડીયાર મંદીર પાછળ પહેલી શેરી વાલીબેનના મકાનમાં ભાડેથી)એ પોતાના કબ્જા વાળા મકાનમાં પોતે દલાલ બની દેહ વેપાર કરતી સ્ત્રીઓને રાખી બહારથી ગ્રાહકો બોલાવી અને ગ્રાહકો લાવી આપી પોતાના અંગત ફાયદા સારુ કુટણખાનુ ચલાવતા હોવાનું ખુલતા પોલીસે આ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ બન્ને આરોપીઓ સામે અનૈતીક વ્યાપાર અટકાવવાનો અધિનિયમ કાયદા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.