જૂનાગઢની જેલનો કેદી સિવિલમાંથી રફુચક્કર થયાની ગણતરીની મિનિટોમાં જ ઝડપાયો

કેદીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ભાગવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની જિલ્લા જેલ અગાઉ વારંવાર મોબાઈલ મળવાની ઘટનાથી કલંકિત થઈ હોય તેમાં એક વધુ કારાસ્તાન સામે આવ્યું છે. જેમાં જેલના એક કેદીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસ પાર્ટીએ તરત જ આ કેદીને સિવિલ હોસ્પિટલમાંથી જ ઝડપી લીધો હતો.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોપાલભાઇ ભગવાનભાઇ (પો.હેડ.કોન્સ.પો.હેડ.ક્વાટર જુનાગઢ)એ આરોપી અશોકભાઇ બેચરભાઇ (કાચા કામનો આરોપી જીલ્લા જેલ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમા દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે આરોપી કેદી વોર્ડમાંથી કોઇને જાણ કર્યા સીવાય પોતાની મરજીથી કેદી વોર્ડમાંથી નાશી જતા ત્યાં ફરજ પર તૈનાત પોલીસ પાર્ટીએ આરોપીની તપાસ કરતા પાછળથી આરોપી સિવિલ હોસ્પિટલમાંથી પકડાઇ ગયો હતો. આ બાબતે પોલીસે તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.