અમને ઠીક લાગશે તને મત આપીશું તેમ કહેતા યુવાન ઉપર સરપંચ સહિતના ત્રણ શખ્સો તૂટી પડ્યા

માંગરોળના નગીચાણા ગામે અગાઉ સરપંચની ચૂંટણી દરમ્યાન થયેલા મનદુઃખનો ખાર રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માંગરોળના નગીચાણા ગામે અગાઉ સરપંચની ચૂંટણી દરમ્યાન થયેલા મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને અમને ઠીક લાગશે તેને મત આપીશું તેમ કહેતા સરપંચ સહીતના ત્રણ શખ્સો આ યુવાન ઉપર તૂટી પડીને હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રવીણભાઇ કાનાભાઇ પીઠીયા (ઉ.વ.૩૦ રહે.નગીચાણા તા.માંગરોળ જી.જુનાગઢ)એ આરોપીઓ મસરીભાઇ કાનાભાઇ પીઠીયા, જેઠાભાઇ ગોવીંદભાઇ પીઠીયા, કરશનભાઇ સોમાતભાઇ બોરખતરીયા (રહે બધા નગીચાણા ગામ તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી પાંચેક મહીના અગાઉ ફરીયાદીના ગામમા ગ્રામ પંચાયતની ચુંટણી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે ફરીયાદીના ગામના સરપંચ મસરીભાઇ કાનાભાઇ પીઠીયા તથા ફરીયાદીના કાકા જગદીશભાઇ નારણભાઇ પીઠીયા એમ બન્ને જણા ફરીયાદીના ઘરે ચુંટણી પ્રચાર માટે આવેલ ત્યારે ફરીયાદીએ કહેલ કે અમારે હવે રાજકારણથી દુર રહેવું છે અને અમારા ઘરમા ત્રણ મત છે જે મત અમોને ઠીક લાગશે તેને અમો આપીશું તેમ કહેતા આ બાબતનું મનદુખ રાખીને આ ત્રણેય આરોપીઓએ ફરીયાદી બંસી પાર્લર નામની દુકાને વાળ કપાવતો હતો ત્યાં આવી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો બોલી શરીરે આડેધડ ઢીકાપાટુંનો માર મારી તથા આરોપી મસરીભાઇ તથા આરોપી જેઠાભાઇએ હોકી વડે ફરીયાદીને શરીરે આડેધડ હોકીઓ મારી શરીરે ઇજાઓ કરી જતા જતા કહેલ કે આજે તો તુ બચી ગયો પણ તને જીવવા નહી દઇએ તેમ કહી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.