દેવું થઈ જવાથી અમદાવાદથી ઘરબાર છોડીને જૂનાગઢ આવેલા યુવકનું ફરી પરિવાર સાથે મિલન

જૂનાગઢ પોલીસે યુવાનની આપવીતી સાંભળીને યોગ્ય માર્ગદર્શન સાથે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન નજીક એક ઈસમ ચિંતામાં આંટા મારતો મળી આવતા કમાન્ડો વનરાજસિંહ ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પાસે લાવી રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરતો મળી આવેલ અને તેની માનસિક હાલત પણ બરાબર ના લાગતા, ત્યાં લાવવાની વાત કરેલ હતી. આથી આ યુવાનની આપવીતી સાંભળીને જૂનાગઢ પોલીસે આ યુવાનનું તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું હતું.

જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે તેવો ઉદ્દેશ ધરાવે છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ, સ્ટાફના હે.કો. વનરાજસિંહ, પીએસઓ એ.એસ.આઇ. દેવાયતભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ યુવાનને તેનું નામ પૂછતાં, પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે અમદાવાદ રાણીપનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ અમિત યોગેશભાઈ ગજ્જર ઉવ. 38 રહે. જે/૭, મૃદુલ એપાર્ટમેન્ટ, કાશીબા રોડ, રાણીપ, અમદાવાદનો રહેવાસી હોવાનું અને પોતે જાન્યુઆરી મહિનામાં તા. 13.01.2022 ના રોજ સવારે 6.00 વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવેલ હતું. તેના ભાઈનો મોબાઈલ નંબર આપતા બંધ આવતો હતો.

જેથી રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કુલદીપ ગઢવી, પીએસઆઈ એસ.એસ.ચૌધરી, હે.કો. જયેશભાઇ પટેલ મારફતે તપાસ કરાવતા, તા. 17.01.2022 ના રોજ મળી આવેલ અમિતાભના પત્ની ડિમ્પલબેન દ્વારા યુવાન અમિત ગજ્જર ગુમ થયેલાંની જાણ કરવામાં આવેલ હોવાની માહિતી મળેલ હતી. બાદમાં તેના ભાઈ ભાવિક ગજ્જર સાથે મોબાઈલ ફોનથી વાત કરતા છેલ્લા ત્રણ મહિનાથી ઘરના બધા સભ્યો તથા તેના બંને છોકરા ખૂબ જ ચિંતાતુર છે, તેના ભાઈ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેને ત્યાંજ રાખી, પોતાના પિતા પોલીસ સાથે લેવા આવતા હોવાની વાત પણ કરેલ હતી. યુવક અમિત ગજ્જરને વધુ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા, પોતાને સંતાનમાં દીકરી અને દીકરો હોઈ, પોતાના ઉપર દેવું થઈ ગયેલ અને લેણદારો શાંતિ લેવા દેતા ના હોઈ, પોતે અમદાવાદથી મોબાઈલ ફોન ઘરે મૂકી, ચાલીને નીકળી ગયેલ અને ક્યાંક ચાલતા, ક્યાંક વાહનમાં જૂનાગઢ ભવનાથ તેમજ ગીર સોમનાથ વિસ્તારમાં ત્રણ મહિનાથી ફરતો રહેલો અને આજે જૂનાગઢ આવેલ હોવાની પણ વાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ દ્વારા મળી આવેલ યુવકને જમાડી, નાસ્તો કરાવડાવતા, યુવક સ્વસ્થ થયો હતો. તેના પરિવારજનો અમદાવાદ રાણીપ પોલીસ સાથે નીકળી, તાબડતોબ જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ યુવકનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ યુવક મળતા, પરિવારજનો યુવકને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો.