પોલીસ બનવાનું સપનું સાકાર ન થતા માંગરોળની યુવતીએ જીવ દીધો

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા હાડોહાડ લાગી આવ્યું

જૂનાગઢ : માંગરોળના શીલ વિસ્તારની યુવતીનું પોલીસ બનવાનું સપનું સાકાર ન થતા તેણીએ જીવ દઈ દીધો હતો. જેમાં આ હતભાગી યુવતી પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તનતોડ મહેનત કરી હતી. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા તેનું સપનું રગદોળાઇ ગયું હતું અને હતાશ થઈને તેણીએ આપઘાત કરી લીધો હતો.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મયુરીબેન મીલનભાઇ ચુડાસમાં (ઉ.વ.૨૪ રહે.શીલ બહાર પ્લોટ વિસ્તાર ગઢીયા શેરી તા.માંગરોળ) નામની યુવતીને પોલીસ દળમાં જોડાયને દેશની સેવા કરવાની ભારે મહેચ્છા હતી. આથી આ યુવતીએ શરૂઆતથી પોલીસ બનવા માટે ગોલ નક્કી કરીને પોલીસની ભરતી માટે તનતોડ મહેનત કરતી હતી. જેમાં યુવતીએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી ઘણા લાંબા સમયથી કરતી હોય અને તાજેતરમાં તેણીએ પોલીસ કોન્સટેબલની પરીક્ષા આપી હતી જેમા તેમને પરીક્ષામાં ઓછા માર્કસ આવતા તે ભાંગી પડી હતી અને એક તબક્કે પોલીસ બનવાનુ તેનું સપનું ચકનાચૂર થયાનો અહેસાસ થતા તેના મન ઉપર હતાશા હાવી થઈ ગઈ હતી. પોલીસ બનવાનું સપનું ચકનાચૂર થઈ જતા તેણીએ ગઈકાલે પોતાની મેળે એસીડ પી જઇ આપઘાત કરી લેતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.