સોની વેપારી પાસેથી દાગીના લઈને પરત ન આપતા છેતરપીંડીનો ગુન્હો દાખલ

કેશોદની સોની બજારમાં બનેલી ઘટનામાં એક શખ્સ સામે ફોજદારી કાર્યવાહી

જૂનાગઢ : કેશોદની સોની બજારમાં આવેલી સોનીની દુકાને એક શખ્સે રૂ.૫,૩૬ લાખના દાગીના લઈને ગયા બાદ પરત આપવા ન આવતા આ શખ્સ વિરુદ્ધ છેતરપીંડીનો ગુન્હો દાખલ થયો છે. સોની વેપારીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશોકભાઇ જમદાસભાઇ શામતા (ઉ.વ.૫૦ રહે. પટેલ રોડ પીપળેશ્વર મંદીર ની બાજુમા ગીરા મકાન કેશોદ) એ આરોપી દેવશીભાઇ નાથાભાઇ નંદાણીયા (રહે.લોયજ ગામ તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદી અશોકભાઇ સોનીની કેશોદ સોની બજારમા આવેલ એ જે જવેલર્સ નામની સોનાની દુકાનમા ફરીયાદી તથા સાહેદ અનીલભાઇને વિશ્વાસમા લઇ તેઓ પાસેથી સોનાનો ચેઇન ત્રણ તોલાનો જેની કિમત આશરે ૧,૬૫,૦૦૦ વાળો તથા સોનાની લકી પોણા પાચ તોલા જેની કિમત આશરે ૨,૫૮,૦૦૦ તથા સોનાની તુલસી ની માળા જેનો વજન બે તોલા જેની કિમત આશરે ૧,૧૩,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૩૬,૦૦૦ ના સોનાના દાગીના મેળવી લઇ જઇ પરત આપી જશે તેવુ જણાવી પરત નહિ આપી ફરીયાદી સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી હતી.