જૂનાગઢની ઇતિહાસમાં પ્રથમ વખત રૂ.23 લાખના મેક્રેડોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

યુવાઘનને નશાની લતમાં બરબાદ કરવાના મોટા ષડ્યંત્રનો પર્દાફાશ કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, એકને દબોચી લીધો, અન્ય એકનું નામ ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાની સફળતા મળી છે. જેમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે બાતમીના આધારે દોલતપરા વિસ્તારમાંથી રૂ. 23 લાખના મેક્રેડોન ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો હતો. જો કે આ મોટી માત્રામાં મેક્રેડોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢના રામદેવપરા કસ્તુરબા સોસાયટીમાં રહેતો હરેશ ભુપતભાઇ વદર નામનો શખ્સના મકાનમાં મોટાપાયે ડ્રગ્સના જથ્થાનું ડીલિંગ થવાનું છે. આ પ્રકારની હકીકત મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો. પણ કાંઈ વાંધાજનક હાથ લાગ્યું ન હતું. જો કે પોલીસની ચોક્કસ બાતમી મળી હોવાથી આરોપી અને તેના મકાનમાં ગુપ્ત રીતે વોચ રાખી હતી. એ દરમિયાન એક કાર આવતા અને બાદમાં ડ્રગ્સનું ડીલિંગ થતા દોલતપરા વિસ્તારમાં એલસીબીના પીઆઇ એચ આઈ ભાટી પીએસઆઇ ડી જી બળવા સહિતના સ્ટાફ દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આ રીતે શહેરમાંથી લાખોની કિંમતનો મેક્રેડોન ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. મોટી માત્રામાં મેક્રેડોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની જૂનાગઢના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે. ક્રાઈમ બ્રાન્ચે દોલતપરા વિસ્તારમાંથી મેક્રેડોન ડ્રગ્સનો ૨૩૩.૭૮ ગ્રામ, કિંમત 23લાખનો જથ્થા સાથે કુલ રૂ. 28 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે હરેશ ભુપત વદર નામના શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહિ મળી આવેલ સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ પ્રકરણમાં હજુ પણ અનેક લોકોના નામ ખૂલે તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી આ દિશામાં તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જના નાયબ મહાનિરીક્ષક મનિંદરસિંહ પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવાઘનને નશાની લતમાં બરબાદ કરવાના આ મોટા ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલો શખ્સ હરિયાણાના મેઈન સપલાઈયર પાસેથી ડ્રગ્સ મેળવીને છૂટક વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે તેથી આ નશાના કાળા કારોબારમાં હવેની તપાસમાં પડઘા પાછળ રહેલા મોટા માથા બેનકાબ થશે.