જૂનાગઢમા સીસી રોડ પર ડામરના થીંગડા : મનપા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ

શહેર કોંગ્રેસ પ્રમુખે રોડની નબળી કામગીરીમાં મનપા અને કોન્ટ્રાકટરની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો

જૂનાગઢ : જૂનાગઢના મામલતદાર કચેરીથી કલેકટર ઓફિસ સુધીનો રોડ સિમેન્ટ મઢવામાં આવ્યો હતો. ત્યારે રોડ પર ખાડા પડી જતાં મનપા તંત્ર દ્વારા બિલ બતાવવા માટે ડામરના થીંગડા મારી દીધા હોવાનું સામે આવ્યું છે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું કે લોકોના ટેક્સના પૈસા નો વેડફાટ કરતું આ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે અને કોન્ટ્રાક્ટરો પાસેથી મોટી ટકાવારી ઉઘરાવવાનું કામ મળતિયા કરી રહ્યા હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો છે.

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે રોડની નબળી કામગીરી મામલે સીધા જ મહાનગરપાલિકા ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, જે રીતે સીસીરોડ ઉપર ડામરની થિંગડા મારી દેવામાં આવી રહ્યા છે. તે જોતા પ્રજા જે મહાનગરપાલિકામાં જુદાજુદા ટેક્સ ચૂકવે છે તેનો ભ્રષ્ટાચાર થાય છે. સિમેન્ટ રોડ ઉપર ડામરના થિંગડા આવા ધોમધખતા તાપમાં ક્યાંથી ટકી શકે ? તેમ છતાં મહાનગરપાલિકાના શાસકો અને કોન્ટ્રાકટરો સાથે મિલભગતથી આવું દુસાહસ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરો પાસેથી મોટી ટકાવારી ઉઘરાવવાનું કામ મળતિયા કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યો છે અને જે જે રોડનું કામ પૂરું થાય ત્યારે કેવી ગુણવત્તાથી કામ કર્યું, કોન્ટ્રાકટરનું નામ, રોડ કેટલો સમય ચાલશે તેની સઘની હકીકતો પ્રજા સમક્ષ મુકવી જોઈએ, વધુમાં તેઓએ તંત્રની આવી કામગીરી સામે લોકોને પણ આવાજ ઉઠવવાની હાકલ કરી હતી.