વ્યાજખોરોએ ભારે કરી : વ્યાજના બદલામાં જમીન પડાવી લીધી છતાં યુવાનનું જીવતર ઝેર કરી નાખ્યું

કેશોદ નજીક બામણાસા બાલાગામ રોડ ઉપરના બનાવમાં અગાઉ યુવાનના પિતાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીધું હોવા છતાં ત્રાસ યથાવત રહેતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરોને કાયદા કે પોલીસનો કોઈ જાતનો ડર જ ન હોય તેમ એટલી હદે ફાટીને ધુમાડે ગયા છે કે, એમના ત્રાસથી કંટાળીને લોકોને ઝેર પીવાની નોબત આવી છે. જેમાં વ્યાજખોરોએ ભારેખમ વ્યાજના બદલામાં જમીન પચાવી પાડી હોવા છતાં ત્રાસ યથાવત રાખીને યુવાનને જીવતર ઝેર કરી નાખ્યું હતું. જો કે અગાઉ યુવાનના પિતાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીધું હોવા છતાં ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો છે.

કેશોદ પોલીસ મથકે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યજ્ઞેષભાઇ અરજણભાઇ પાનેરા (ઉ.વ ૨૬ રહે.આંબલીયા ઘેડ તા.માણાવદર જી.જુનાગઢ) એ આરોપીઓ નારણભાઇ ભીમશીભાઇ ભેડા (રહે.આંબલીયા ઘેડ તા.માણાવદર જી.જુનાગઢ) અને પરબતભાઇ અરશીભાઇ ભેડા (રહે.મુળ આંબલીયા ઘેડ તા.માણાવદર હાલ રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ અગાઉ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપીયા લીધેલ હોય તેના બદલામાં આરોપીઓએ ફરીયાદીની ૯ વિઘા જમીનનુ સાટાખત કરાવી લીધું હતું.

જમીનનું સાટાખત કરાવી લીધું છતા આરોપીઓ ફરીયાદીને ધાક ધમકી આપતા હોય અને પ્રેસર કરતા હોય જેના લીધે ફરીયાદીના પીતા ઝેરી દવા પી જતા બાબતેની ફરીયાદીએ અગાઉ આરોપીઓ વિરૂધ્ધ બાંટવા પો.સ્ટે માં ફરીયાદ નોંધાવેલ હોય જે બાબતેનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તે ફરીયાદ કરી અમારુ શુ બગાડી લીધેલ છે. તેમ કહી ફરીયાદીને અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદીનો પીછો કરી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે આરોપીએ પોતાનુ બુલેટ ફરીયાદી ઉપર નાખી ફરીયાદી બચી જતા તે બાદ બીજા આરોપીએ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે પોતાની સફેદ કલરની ક્રેટા ગાડી ફરીયાદીના બાઈકને પાછળથી ઠોકર મારી ફરીયાદીને પછાડી દઇ શરીરે નાની મોટી ઇજાઓ કરી હતી.