રસ્તામાં બેસવા મામલે બે પરિવાર વચ્ચે ડખ્ખો, સામસામી ફરિયાદ

વંથલીમાં બંને પરિવારોએ એકબીજાને ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વંથલીમાં રસ્તામાં બેસવા મામલે બે પરિવારો વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં તુ કેમ મારી દિકરીને રસ્તામાં બેસવાની ના પાડે છે કહી બે યુવતી સહિત ચાર શખ્સોએ યુવાનને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તો સામાપક્ષે યુવતીના વાળ પકડી ધસડીને વકીલે ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બનાવમાં સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કિરીટભાઇ મેઘજીભાઇ વાણવી (ઉ.વ.૪૩ રહે.વંથલી નીચલા વાસ પાણીના ટાંકા પાસે શેરી નં-૪ તા.વંથલી જી.જુનાગઢ)એ આરોપીઓ રમેશભાઇ પુંજાભાઇ વાણવી, રેખાબેન રમેશભાઇ વાણવી, મીરાબેન રમેશભાઇ વાણવી, મનીષભાઇ રમેશભાઇ વાણવી (રહે.તમામ વંથલી નીચલા વાસ શેરી નં-૪ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના બાઈક લઇ પોતાની દિકરીને પટેલ ચોક અભય એ.જી.સ્કુલે મુકવા જતા હતા.

દરમિયાન આરોપી યુવતી પોતાના ઘરની સામે રોડ ઉપર બેસી મોબાઇલ ફોન જોતા હતા. જેથી ફરીયાદીના બાઈક નીકળે એટલો રસ્તો ન હોય જેથી ફરીયાદીએ રસ્તામાં બેસવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને જણાવેલ કે હુ તો અહી રસ્તામા જ બેસીસ આ રસ્તો ક્યા તારો છે તેમ કહેતા ફરીયાદી જતા રહ્યા બાદ ફરીયાદી પોતાના ઘરે આવેલ અને જમવા બેસેલ તે વખતે અન્ય આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવેલ અને ફરીયાદીને જોર જોરથી કહેલ કે તુ કેમ મારી દિકરીને રસ્તામાં બેસવાની ના પાડે છે જેથી ફરીયાદીએ કહેલ કે મો.સા નીકળે એટલો રસ્તો ન રહે જેથી રસ્તામાં બેસવાની ના પાડેલ હતી.તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને કહેલ કે તારી વકીલાત બંધ કરાવી દેવી છે તેમ કહી ગાળો કાઢી તેમજ આરોપીઓએ ફરીયાદી ઘરની બહાર નીકળે એટલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે મિરલબેન રમેશભાઇ વાણવી (ઉ.વ.૨૩ રહે.વંથલી નીચલા વાસ શેરી નં-૪ તા.વંથલી જી.જુનાગઢ) એ આરોપી કિરીટભાઇ મેઘજીભાઇ વાણવી (ઉ.વ.૪૩ રહે.વંથલી નીચલા વાસ પાણીના ટાંકા પાસે શેરી નં-૪ તા.વંથલી જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીના વાળ પકડી ધસડી તેમજ ફરીયાદીના પિતાને હવે તુ ધ્યાન રાખજે નહીતર તારો વારો છે અને તારો ઢારીયો કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.