જૂનાગઢ જિલ્લામાં તા. ૧૮ થી તા. ૨૨ એપ્રિલ દરમિયાન ૯ બ્લોક હેલ્થ મેળા યોજાશે

બ્લોક હેલ્થ મેળાના માધ્યમથી માત્ર સુગર –બીપી સહિત સંપૂર્ણ આરોગ્ય ચકાસણી કરાશે

શારીરિક તંદુરસ્તી સાથે મેન્ટલ4 ઇમોશન, સોશ્યલ હેલ્થ આવશ્યક

જૂનાગઢ : તા. ૧૮ થી તા.૨૨ એપ્રિલ દરમિયાન જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાને આવરી લઇ ૯-બ્લોક હેલ્થ મેળા યોજાશે. જેમાં માત્ર સુગર બીપી સહિત સંપુર્ણ આરોગ્ય ચકાસણી કરાશે. ઉપરાંત શારીરિક તંદુરસ્તી સાથે મેન્ટલ, ઇમોશનલ સોશ્યલ હેલ્થની આવશ્યકતા પર ભાર મુકાશે.

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બ્લોક હેલ્થ મેળાના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કલેકટરએ વધુમાં કહ્યું કે બ્લોક હેલ્થ મેળાના આયોજન પહેલાં, મેળા દરમ્યાન તેમજ મેળા બાદ આરોગ્ય સેવાઓ પર ભાર મુકવાનો છે. આજે લોકોની શારીરિક તંદુરસ્તી સાથે મેન્ટલ હેલ્થ,ઇમોશનલ હેલ્થ અને સોશ્યલ હેલ્થની પણ એટલીંજ આવશ્યકતા છે.

આરોગ્ય વિભાગની સાથે શિક્ષણ, આઇ.સી.ડી.એસ. તેમજ સ્પોર્ટસ વિભાગને જોડીને બ્લોક હેલ્થ મેળાને વધુ ઉપયોગી બનાવવા જિલ્લા કલેકટરએ માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત મેળા દરમિયાન લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ પણ કાઢી આપવામાં આવશે.

સી.એચ.સી. ચોરવાડ, પટેલ સમાજ કેશોદ,પી.એચ.સી. શાપુર,સી.એચ.સી. કેમ્પસ માણાવદર, સી.એચ.સી. ભેસાણ, સી.એચ.સી. મેંદરડા, બ્લોક હેલ્થ ઓફીસ માંગરોળ અને પી.એચ.સી. ખડીયા ખાતે હેલ્થ મેળા યોજાશે.

મેળાના આયોજન અંગેની બેઠકમાં અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય,સીવીલ સર્જન ડો.પી.એચ. લાખણોત્રા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશશ દિહોરા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.