મોહરમ દરમિયાન થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર હીંચકારો હુમલો

વંથલીના ખોખરડા ફાટકથી ગાદોઈ રસ્તે થયેલી મારામારીના બનાવમાં ત્રણ શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વંથલીના ખોખરડા ફાટકથી ગાદોઈ રસ્તે પસાર થતા યુવાનને આંતરીને ત્રણ શખ્સોએ અગાઉ મોહરમ દરમિયાન થયેલી માથાકૂટનો ખાર રાખી આ યુવાન ઉપર હીંચકારો હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આશીફ મહમદ સીડા (ઉ.વ.રર રહે.ટીનમસ, ચારપાટી ફળીયા તા.વંથલી)એ આરોપીઓ નાસીર આમદ સીડા, સાહિલ હનીફ સીડા, લાલા મહમદ સીડા (રહે. બધા ગાદોઈ તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને અગાઉ મોહરમ દરમિયાન એક આરોપીએ માથાકુટ કરેલ તે બાબતનુ મનદુખ રાખી ફરીયાદી પોતાની મોટરસાયકલથી ઘરે જતો હતો ત્યારે આરોપીઓએ મોટરસાયકલ ઉપર આવી ફરીયાદીને રોડ ઉપર ઉભો રખાવી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં બાજુમાં આવેલ વાડીમાં આરોપીઓએ લાકડીઓથી તથા પાઈપથી માર મારી મુંઢ ઈજાઓ કરી હતી.