બેલ્ટ તોડી નાખતા વિદ્યાર્થીને પીવીસીના પાઈપથી ફટકાર્યો

વંથલીના વાડલા ફાટક પાસેના બનાવમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ : વંથલીના વાડલા ફાટક પાસેના ગાયત્રી વિધા સંકુલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે બેલ્ટ તોડી નાખવાની બાબલમાં જામી પડી હતી. જેમાં બેલ્ટ તોડી નાખતા વિદ્યાર્થીને પીવીસીના પાઈપથી ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવમાં ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિકાસ સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૧૭, રહે.અરણેજ, વાડી વિસ્તાર તા.કોડીનાર જી.ગીરસોમનાથ હાલ રહે.વાડલા ફાટક, ગાયત્રી વિધા સંકુલ હોસ્ટેલ તા.વંથલી) એ આરોપીઓ રૂતુરાજ બારડ (બુધ્ધેચા તા.માળીયા હાટીના), રાહુલ યાદવ (રહે.લાઠોદ્રા તા.માળીયા હાટીના) તથા અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ એક આરોપીનો બેલ્ટ તોડી નાખેલ તે બાબતનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીને બિભત્સ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઢીકાપાટુ તથા પીવીસીના પાઈપથી માર મારી ઈજા કરી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓ સીવીલ હોસ્પીટલમાં આવી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા પોલીસે એટ્રોસીટી એકટનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

.