જૂનાગઢના સાબલપૂર ઉપર તાત્કાલિક ચેકપોસ્ટ સાથે વ્યવસ્થિત શેડ બનાવ્યો

જૂનાગઢ પોલીસે સ્વામિનારાયણ મંદિર ફરેણી ધામના સહયોગથી વ્યવસ્થિત શેડનું નિર્માણ કર્યું

જૂનાગઢ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સઘન વાહન ચેકીંગ માટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ખોલવામાં આવેલ છે. આવી જ એક ચેકપોસ્ટ સાબલપુર ખાતે ઘણા સમયથી પોલીસ ટેન્ટ મૂકી ખોલવામાં આવેલ છે.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ખોલવામાં આવેલ ચેકપોસ્ટ સુવ્યવસ્થિત સગવડતા પૂર્ણ બનાવવાના ભાગરૂપે તેમજ સાબલપૂર બંદોબસ્તમાં દિવસ રાત હાજર રહેતી પોલીસ માટે કાયમી સગવડ કરવા ચેકપોસ્ટ ઉપર ચોકી બનાવવા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ, જૂનાગઢ તાલુકા પો.સ.ઇ. પી.વી. ધોકડિયા, પીએસઆઈ મહેશભાઈ ડવ, સ્ટાફના પો.કો.જૈતાભાઈ, રાહુલભાઇ, દિપકભાઈ, સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી જૂનાગઢ શહેરમાં પ્રવેશતા નાકા સાબલપૂર ચેક પોસ્ટ ઉપર સ્વામિનારાયણ મંદિર ફરેણી ધામના સ્વામી તથા મધુરમ વિસ્તારના કોર્પોરેટર વિનુભાઈ આહીર તથા હરિભક્તોના સહયોગથી ચોકી તાત્કાલિક બનાવવામાં આવેલ છે.

આ ચોકી ચેક પોસ્ટ ઉપર સ્વામિનારાયણ મંદિરના સહયોગથી બનાવેલ ચોકી ઉપર વ્યવસ્થિત શેડ બનાવી આપતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સાબલપુર ચેક પોસ્ટ ઉપર બનાવેલ ચોકીને આજરોજ સ્વામિનારાયણના સંતો તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં ઉદઘાટન કરી વિધિવત ચાલુ કરવામાં આવેલ હતી. ઉદઘાટન બાદ સ્વામિનારાયણ મંદિરના સંતોએ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવેલ હતી અને જૂનાગઢ પોલીસને હાલમાં પ્રજાના મિત્ર તરીકેની છાપ જાળવી રાખી, સત્કર્મો કરવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા.