ભેસાણના આર.ટી.આઇ. એકટીવીસ્ટ ઉપર કાર ચડાવી દઇ ખૂની હુમલો

સામાપક્ષે પણ પૈસાની ઉઘરાણી મામલે ખૂની હુમલો અને કારમાં તોડફોડની આર.ટી.આઇ. એકટીવીસ્ટ સામે વળતી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ભેસાણના આર.ટી.આઇ. એકટીવીસ્ટ ઉપર કાર ચડાવી દઇ ખૂની હુમલો કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જ્યારે સામાપક્ષે પણ પૈસાની ઉઘરાણી મામલે ખૂની હુમલો અને કારમાં તોડફોડની આર.ટી.આઇ. એકટીવીસ્ટ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઇ ભીખુભાઇ કાપડીયા (ઉ.વ.૩૭ રહે.તડકા પીપળીયા, તા.ભેસાણ જી.જુનાગઢ) એ આરોપીઓ જેનીશભાઇ ઉર્ફે બાલો વડાલીયા (રહે.જેતપુર), રવિ ઉર્ફે રવિ આતા (રહે.રાજકોટ) તથા અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ભેસાણ એસ.ટી. રોડ, ક્રીસ્ટલ કોમ્પ્લેક્ષ આગળ ગઈકાલે ફરીયાદી વકીલાતની સાથે વ્હીસલ બ્લોઅર તરીકે તેમજ આર.ટી.આઇ. એકટીવીસ્ટ તરીકે કામ કરતા હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ પોતાના હવાલાની સ્વીફટ ફોરવ્હીલ કાર પુરપાટ ઝડપે ચલાવી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફરીયાદી ઉપર કાર ચડાવી દઇ તથા લોખંડના પાઇપ તેમજ ધોકા વડે ફરીયાદીને માર મારી જીવલેણ હુમલો કરી ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

સામાપક્ષે જેનીશભાઇ ઉર્ફે બાલો મનસુખભાઇ વડાલીયા (ઉ.વ.૩૨ રહે.જેતપુર, બાવલાપરા શેરી નં.૫ રાધે મકાન તા.જેતપુર) એ આરોપી સંજયભાઇ કાપડીયા (રહે.તડકા પીપળીયા તા.ભેસાણ) એ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપીને રૂ.એક લાખ હાથ ઉછીના આપેલ હોય જે રૂપિયા ફરીયાદીએ અવાર નવાર પાછા માંગતા આરોપીએ આપેલ ન હોય અને ગઈકાલે ફરીયાદીએ આરોપી પાસેથી જે રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ બાજુની દુકાનમાંથી પાવડાનો લાકડાનો ધોકો લઇ ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઘા મારી ઇજા કરી તેમજ ફરીયાદીની ફોરવ્હીલક કારમાં ધોકાનો ઘા મારી આગળનો કાચ તોડી નાખી ફોરવ્હીલમાં નુકશાની કરી હતી.