નરસિંહ મહેતા યુનિવર્સિટીની બીજા સત્રની પરીક્ષાના બીજા દિવસે આઠ કોપીકેસ

બે સેશનમાં ૭૨ કેન્દ્રો ઉપર કુલ ૨૨૮૦૨ વિદ્યાર્થીઓમાંથી ૬૮૮ વિદ્યાર્થીઓ ગેરહાજર

જુનાગઢ : આજે પરીક્ષાના બીજા દિવસે વિવિધ ૭૨ કેન્દ્રો ઉપર બીજા સત્રની બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.સી.એ., બી.એસસી.(આઈ.ટી. એન્ડ સી.એ.), બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ), બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ. ની સેમેસ્ટર – ૪ તથા સેમેસ્ટર – ૫ (રેમેડીયલ)ની પરીક્ષામાં કુલ ૨૨૮૦૨ વિદ્યાર્થીઓમાંથી ૬૮૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

દિવસ દરમ્યાન બે સેશનમાં લેવાયેલ પરીક્ષાના બીજા દિવસના અંતે માણાવદર, લોએજ, કેશોદ, વેરાવળ તથા ઉના ખાતે કૂલ આઠ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં અંગ્રેજીમાં ચાર, અર્થશાસ્ત્રમાં બે, સમાજશાસ્ત્રમાં એક તથા બીસીએમાં એક કોપીકેસ નોંધાયો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.