ગાંઠીલાના ઉમાધામ ખાતે આવતી કાલે પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

આવતીકાલે બપોરે મુખ્યમંત્રીનું ગાંઠીલા હેલિપેડ ખાતે આગમન થશે

જૂનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉમાધામ ગાંઠીલા ખાતે યોજાનાર ૧૪માં મહાપાટોત્સવ અન્વયે આવતીકાલે તા.૧૦ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.

મુખ્યમંત્રીનું આવતીકાલે બપોરે ૧૨.૪૦ કલાકે ગાંઠીલા હેલીપેડ ખાતે આગમન થશે. ત્યારબાદ મુખ્યમંત્રી ઉમીયા માતાજીના મંદિરે દર્શન-પુજન અને આ પ્રસંગે આયોજીત ૫૧ કુંડી હવનના દર્શન કરી વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે ૧૪માં મહાપાટોત્સવ પ્રસંગે આયોજિત સામાજિક સંમેલનના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

ઉમાધામ ગાંઠીલા ખાતે યોજાનાર ૧૪ મહાપાટોત્સવના ઉપલક્ષમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ૫૧ કુંડી હવન, આરોગ્ય કેમ્પ, મહિલા સંમેલન, ઉમા મહાપ્રસાદ, સામાજિક સંમેલન, દાતાઓનું સન્માન, કસુંબલનો ડાયરો જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ ૧૪માં પાટોત્સવમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલ, ઇફક્કોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી અરવીંદભાઇ રૈયાણી,ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, સાંસદ રમેશભાઇ ધડુક,રાજેશભાઇ ચુડાસમા,મોહનભાઇ કુંડારિયા સહિત પટેલ સમાજના આગેવાનો ધારાસભ્યઓ, પૂર્વ મંત્રીઓ-ઉદ્યોગપિતઓ, દાતાઓ ઉપસ્થિત રહેશે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ગાંઠીલા દ્વારા આ મહાપાટોત્સવને સફળ બનાવવા તડામાર તૈયાર કરવામાં આવી રહી છે.