બગસરા (ઘેડ) ખાતે ૧૪ ગામોને આવરી લઇ મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતીમાં સેવાસેતુ યોજાયો

સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા લોકોને અનુરોધ કરતા મંત્રી દેવાભાઇ માલમ

જૂનાગઢ : માંગરોળ તાલુકાનાં છેવાડાનાં અંતરીયાળ એવા બગસરા(ઘેડ) ખાતે આજે હંટરપુર, ઓસા, ફુલરામા, થલ્લી, સાંઢા,તરસાલી, વિરોલ, સહિતનાં ૧૪ ગામોને આવરી લઇ મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

સેવાસેતુમાં આધારકાર્ડ, જાતી પ્રમાણપત્ર, આવકનાં દાખલા, રાશનકાર્ડ સહિતની કુલ ૫૬ પ્રકારની સરકારની સેવાઓ આવરી લેવામાં આવી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને તાલુકા મથકે ધક્કામાંથી મુક્તી મળે છે. આ પ્રસંગે મંત્રી દેવાભાઇ માલમે નાની બાળકીને તેડીને તેનાં આધારકાર્ડની કાર્યવાહી કરી હતી. આ બાળકીનાં માતા સાથે મંત્રીએ સંવાદ સાધી કહ્યુ હતુ કે વર્તમાન સરકારની આ સંવેદનશીલતા છે.
સેવાસેતુ કાર્યક્રમનાં પ્રારંભે તાલુકા વિકાસ અધિકારી જોષીએ સ્વાગત પ્રવચન, મામલતદાર એચ.કે.પરમારે સેવાસેતુની વિવિધ બાબતોની જીણવટભરી જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સભ્ય સોમાતભાઇ વાસણ, અગ્રણી જેઠાભાઇ ચુડાસમા, નાથાભાઇ ટીંબા, દાનાભાઇ બાલસ, દાનાભાઇ ખાંભલા, સહિત આજુબાજુના ગામોનાં સરપંચઓ, તાલુકા પંચાયતનાં હોદેદારઓ અને અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.