અંગત અદાવતનો ખાર રાખી બાઇકને આંતરી દંપતી ઉપર હીંચકારો હુમલો

જૂનાગઢના મજેવડી ગામ નજીક જાગનાથ મંદીર પાસેના બનાવમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના મજેવડી ગામ નજીક જાગનાથ મંદીર પાસે અંગત અદાવતનો ખાર રાખી બાઇકને આંતરી ત્રણ શખ્સોએ દંપતી ઉપર હીંચકારો હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઈ અરશીભાઈ ચાવડા (રહે.મજેવડી ગામ રામ મંદીર પાસે તા.જી.જુનાગઢ) એ આરોપીઓ નરશીભાઈ દેવરાજભાઈ, હરસુખભાઈ દેવરાજભાઈ, કનાભાઈ દેવરાજભાઈ (રહે. બધા મજેવડી તા.જી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ ફરીયાદીની-પત્ની પોતાના બાઈક લઈ મજેવડી ગામ તરફ આવતા હતા. તે દરમીયાન જાગનાથ મહાદેવ મંદીર પાસે આશરે સાંજનાં આઠે સાડા આઠ વાગ્યેના અરસામાં આરોપીઓએ અગાઉનુ જુનુ મન દુ:ખ ચાલતુ હોય જે બાબતની અદાવત રાખી ફરીયાદીના બાઈકને રોકાવી ફરીયાદીને આરોપી નરસીહએ પોતાના પાસે રહેલ કુહાડી બુંધરાટ માથામા ડાબી બાજુ કાન પાસે મારેલ તેમજ સાહેદ સોનલબેનને ધક્કો મારી નીચે પાડી દઈ તેમજ ફરીયાદીને આરોપી હરસુખે પાછળથી પકડી રાખતા ત્યાં હાજર આરોપી કાનભાઈએ પોતાના પાસે રહેલ લોખંડનો પાઈપ ફરીયાદીનાં નાક ઉપર મારી લોહી લુહાણ કરી ઇજા પહોંચાડી હતી.