મા ઉમિયાના પાટોત્સવમાં ૪૦ હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો માતાજીના દર્શન-પુજા અર્ચના કરશે

આરોગ્ય કેમ્પ-મહિલા સંમેલન સહિત જનચેતના ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તા.૧૦ એપ્રિલના રોજ જૂનાગઢ પાસે ઉમાધામ ગાંઠીલા ખાતે મા ઉમિયાનો ૧૪ મો પાટોત્સવ યોજાશે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લાઇવ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને પાટીદાર સમાજને શુભેચ્છા સંદેશ પાઠવશે. સાંસદ સી.આર.પાટીલ આ પ્રસંગે આયોજીત સમારોહનું ઉદ્દઘાટન કરશે.

ઓઝતના કાંઠે ૧૦ વિઘા જેટલા વિશાળ જમીનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૪૦ હજારથી વધુ ભાવિકો બપોરે ફરાળ સાથે સાંજે ચોખા ઘીનો મેસુબ, ચુરમાના વિશેષ ઉમા મહાપ્રસાદનો લાભ લેશે. ૧૫૦૦થી વધુ સ્વયં સેવકો ૩૦ જેટલી સમિતિ વિવિધ વ્યવસ્થાઓ સંભાળશે. પાટીદાર સમાજ તમામ સમાજને પ્રેરણા આપતી વિશેષ પહેલ માટે કાયમી અગ્રેસર રહે છે. આ પાટોત્સવના માધ્યમથી જનચેતના ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. સમાજ માટે ઉપયોગી આરોગ્ય કેમ્પની સાથે બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે નેત્રમણી સાથેનો ઓપરેશન કેમ્પ, કેન્સર જાગૃતિ અભિયાન તેમજ આયુર્વેદ નિદાન કેમ્પને સાંકળીને સમાજને આરોગ્યપ્રદ જીવનનો સંદેશો અપાશે.

આ ૧૪માં પાટોત્સવમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા, ઇફક્કોના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી અરવીંદભાઇ રૈયાણી,ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, , સાંસદ રમેશભાઇ ધડુક, રાજેશભાઇ ચુડાસમા, રમેશભાઇ ધડુક,મોહનભાઇ કુંડારિયા સહિત પટેલ સમાજના આગેવાનો ધારાસભ્યો, પૂર્વ મંત્રીશ્રીઓ-ઉદ્યોગપિતઓ, દાતાઓ ઉપસ્થિત રહેશે.

મહિલા શક્તિને પ્રોત્સાહન આપવા સાથે મહિલા સશક્તિકરણ માટે વિશેષ મહિલા સંમેલન આ પ્રસંગે યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે. જેમાં શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય વક્તવ્ય આપશે. પાટોત્સવ ઉજવણીમાં સહભાગી થવા મા ઉમિયાના પરીવારજનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહેમાનોનું ભાવભર્યું સ્વાગત-સન્માન કરાશે. અહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.