જૂનાગઢ તાલુકા સેવા સદન-૩૦૦ મીટર આસપાસના વિસ્તારમાં અનઅધીકૃત વ્યકિતોઓને બેસવા પર પ્રતિબંધ

ભીડ એક્ઠી થતા કોરોના સંક્રમણ વધવાની શક્યતાથી પ્રતિબંધ લગાવ્યો

જૂનાગઢ : જૂનાગઢ સરદારબાગ નજીક આવેલ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ તથા આજુબાજમાં અનઅધિકૃત વ્યકિતઓ અરજદારોની અરજી તૈયાર કરવાની કામગીરી કરતા જોવા મળે છે. જેના કારણે ભીડ એક્ઠી થતા કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા દ્વારા જૂનાગઢ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ અને તેની ૩૦૦ મીટરના વિસ્તારમાં પીટીશન રાઇટરો સિવાયના અનઅધિકૃત વ્યકિતઓ એજન્ટોને બેસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જૂનાગઢ શહેરના સરદારબાગ પાસે આવેલ તાલુકા સેવા સદન બિલ્ડીંગ તથા તેની આજુબાજુ વિસ્તારમાં સક્ષમ અધિકારીની મંજુરી ન ધરાવતા હોય તેવા અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા અરજદારોની અરજીઓ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આથી કચેરી કમ્પાઉન્ડમાં તથા કચેરીની આજુબાજુમાં બેસવાના કારણે બીનજરૂરી ભીડ એકત્ર થાય છે. જેને કારણે પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારશ્રીની સોશ્યલ ડીસ્ટન્ટ તથા તકેદારીની સૂચનાઓનો ભંગ થાય છે. આથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જૂનાગઢ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ ને મળેલી સત્તાની રૂએ લાયસન્સી પીટીશન રાઇટરો સિવાયના બીનએજન્ટોએ તાલુકા સેવા સદન તથા તેમની આસપાસ ૩૦૦ મીટરના વિસ્તારમાં અરજીઓ વગેરેના લખાણો કરવા બેસવું નહીં કે પરવાનગી વિના બિનઅધિકૃત કામગીરી કરવી નહીં.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષા પાત્ર કાર્યવાહી કરવામાં આવશે.જાહેરનામું તા.૦૧/૦૪/૨૦૨૨ થી ૩૧/૦૬/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ ભૂમિ કેશવાલાએ જણાવ્યું છે.