જૂનાગઢ જિલ્લા પંચાયત દ્રારા પશુપાલનના વ્યવસાયને પ્રાધાન્ય આપવા રૂા.૧૫ લાખ ફાળવાયા

પશુઓની સારવાર અને નિયંત્રણમાં રાખવા ૨૩૪ ટ્રેવીસ(હળ) અને વેકસીન કેરીયર, પીપીઈ કીટસ, સિરીંજની ખરીદી કરાઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પશુપાલનના વ્યવસાયને પ્રાધાન્ય આપવા અને પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને સ્વનિર્ભર બનાવી દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ સાથે જિલ્લા પંચાયત દ્રારા ૧૫માં નાણાં પંચની ૧૦% રકમના રૂ.૧૫ લાખ ફાળવવામાં આવેલ છે. આ નાણાંમાંથી ગ્રામ્ય કક્ષાએ પશુની સારવાર કરવા માટે, રસીકરણની કામગીરી માટે, તથા કૃત્રીમ બીજદાન અને પશુઓના જાતીય આરોગ્યની સારવાર જેવી કામગીરી યોગ્ય રીતે કરવા માટે પશુઓને નિયંત્રણમાં રાખવા ૨૩૪ ટ્રેવીસ (હળ)ની ખરીદી કરવામાં આવેલ છે.

આ ટ્રેવીસ (હળ)નું વિતરણ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, ખેતીવાડી અને પશુપાલન સમિતીના ચેરમેન નિર્મળાબેન બુસા, આરોગ્ય સમિતીના ચેરમેન પ્રવિણભાઈ પટોળીયા, જિલ્લા સહકારી બેંકના ડીરેક્ટર દિનેશભાઈ ખટારીયા અને જોલીતભાઈ બુસા દ્રારા પશુચિકિત્સા અધિકારીઓને કરવામાં આવેલ હતું. જિલ્લાના પશુઓના આરોગ્યની જાળવણીના પાયાના ભાગરૂપે જરૂરી ટ્રેવીસ(હળ)નું જૂનાગઢ જિલ્લાના ટ્રેવીસ (હળ)થી વંચિત તમામ ગામોમાં ફાળવણી કરવામાં આવશે.

જિલ્લામાં પશુઓમાં ખરવા મોવાસા અને બ્રુસેલોસીસ રસીકણની કામગીરી માટે ખરીદ કરાયેલ એસેસરીઝ જેવીકે વેકસીન કેરીયર, પીપીઈ કીટસ, સિરીંજ નિડલ તેમજ ખરવા મોવાસા અને બ્રુસેલોસીસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ અભિયાન માટે ખરીદ કરાયેલ સાઉન્ડ સિસ્ટમ વગેરેનું વિતરણ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ દ્રારા પશુચિકિત્સા અધિકારીઓને કરવામાં આવેલ હતુ.

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ જિલ્લા પશુપાલન ટીમની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતાં જણાવેલ કે, પશુઓને ખરવા મોવાસા અને બ્રુસેલોસીસ તેમજ અન્ય તમામ રોગ નિયંત્રણ કરવાના રસીકરણની કામગીરી ખુબજ ચોક્સાઈ પુર્વક કરવા અને રસીકરણ માટેની ગાઈડ લાઈન મુજબ થાય એ જરૂરી છે. પશુ આરોગ્યની કામગીરી છેવાડાના ગામોના પશુપાલકો સુધી સારી રીતે થાય તે મુજબની સુચના ઉપસ્થિત પશુચિકિત્સકોને આપવામાં આવી હતી.