જૂનાગઢ જિલ્લાના ત્રણ ગામડામાં ડ્રોન ફલાઇંગ દ્વારા કરાઇ માપણી

ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ રૂપે એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે

જૂનાગઢ : ભારત સરકાર દ્વારા મિલકત ધારકો માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા પ્રોપર્ટીની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આથી બેન્ક લોન કે મિલકત ધારકો માટે પ્રોપર્ટી કાર્ડ એક કાયદાકીય દસ્તાવેજ તરીકે ગણાશે. જૂનાગઢ જિલ્લાના ત્રણ ગામડાઓમાં આ યોજના હેઠળ ડ્રોન ટેક્નોલોજી દ્વારા માપણી કરવામાં આવી છે.

ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સ્વામિત્વ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા માપણી કરી પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર/ભારત સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ તથા મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે છે. યોજના થકી ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ રૂપે એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી બેન્કમાં લોન લેવામાં સરળતા રહેશે. મિલકત બાબતોના વિવાદ ઘટશે. મિલકતમાં GIS based નકશા પ્રાપ્ત થશે તથા ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ મળશે તેમજ પ્રોપર્ટીકાર્ડની આકારણીમાં સરળતા થશે.

જૂનાગઢના ચોકલી, બલિયાવડ અને ઇશાપુર ગામમાં ડ્રોન દ્વારા કરાયો છે.આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ચોકલી, બલિયાવડ અને ઇશાપુર ગામમાં સરવે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન ફ્લાઇંગ કરીને માપણી પૂર્ણ કરી છે. ત્યારે હવે જૂનાગઢ ગ્રામ્યના બાકીના ગામોમાં હવે ક્રમશ આયોજન મુજબ ડ્રોન ફ્લાઇંગ કરીને માપણી કરવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝની યાદીમાં જણાવાયું છે.