કેશોદના માણેકવાડા ગામ નજીક ખુંટિયાએ યુવાનનો ભોગ લીધો

તંત્રની બેદરકારીને કારણે રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બનતા લોકોમાં ભારે રોષ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં રખડતા ઢોરના ભારે ત્રાસ વચ્ચે કેશોદના માણેકવાડા ગામ નજીક ખુંટિયાએ યુવાનનો ભોગ લીધો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે.જેમાં રસ્તે પસાર થતા યુવાનું બાઈક ખુટિયા સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે તંત્રની બેદરકારીને કારણે રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બનતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના માણેકવાડા ગામ રૂદ્રરાજ હોટલ સામે હાઇવે રોડ પર જયંતીલાલ નાથાલાલ પરમાર પોતાનું GJ-11 CB 3691 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે રોડ ઉપર રહેલા ખુંટિયાની સાથે બાઈક અથડાતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. જો કે કેશોદ પંથકમાં રખડતા ઢોરનો ભારે ત્રાસ છે. માર્ગો ઉપર અડિંગો જમાવીને બેસતા રખડતા ઢોરને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઈ છે. તેમ છતાં તંત્ર રખડતા ઢોરનો પ્રશ્ન હલ ન કરતા રખડતા ઢોરના ત્રાસથી યુવાનનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે.