ગાંઠીલાના ઉમાધામમાં 10મીએ પીએમ મોદી વર્ચ્યુઅલી પાટીદાર સમાજને સંબોધન કરશે

સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં 14માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમનું આયોજન, મહિલા સંમેલનને જાણીતા વક્તા કાજલ ઓઝા વૈદ્ય સંબોધન કરશે, રાત્રે લોકડાયરામાં માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી જમાવટ કરશે

જૂનાગઢ : વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમા ધામ ખાતે તા. 10 એપ્રિલને રામનવમીના પાવન પર્વ ઉપર આ ઉમિયા મંદિરના 14મા મહા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના દિગજ્જ નેતાઓની ઉપસ્થિત યોજનાર આ ઉમાધમના ધર્મોત્સવને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં હેરખની હેલી જોવા મળી રહી છે.

ગાંઠીલાના ઉમા ધામના અગ્રણીઓએ આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું હતું કે, રામનવમીએ ઉમા ધામનો મહા પાટોત્સવ યોજાશે. જેમાં સમગ્ર પાટીદાર સમાજ માટે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. તા. 10 ના રોજ બપોરે 1 વાગ્યે ઉમા ધામ ખાતે પાટીદાર સમાજનું સામાજિક સંમેલન યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે આ સંમેલનને સંબોધિત કરશે. આ સમગ્ર સંમેલન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે.જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. તેમની સાથેસાથે રાજકીય, સામાજિક સહિતના અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે, ઉમા ધામ ખાતે 51 કુંડી યજ્ઞ યોજશે તેમજ સવારે 10 વાગ્યે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિલા સંમેલનને જાણીતા લેખક અને વક્તા કાજલબેન ઓઝા વૈદ્ય સંબોધન કરશે.જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડશે. આ ઉપરાંત રાત્રે કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાણીતા કલાકારો માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી ભારે જમાવટ કરશે. આથી ઉમા ધામ ખાતે રામનવમીએ સવારથી મોડી રાત્રી સુધી યીજનાર આ તમામ કાર્યક્રમોનો સમસ્ત પાટીદાર સમાજને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

.