યુવતીના મોબાઈલમાંથી ફોટા કાઢી નાખવા બાબતે માતા ઉપર હુમલો

જૂનાગઢના ધારાગઢ દરવાજા રોડ પરના વિસ્તારમાં મારામારીના બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ધારાગઢ દરવાજા રોડ પરના વિસ્તારમાં યુવતીના મોબાઈલમાંથી ફોટા કાઢી નાખવા બાબતે તેની માતા ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધાએ બે શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મંજુબેન બાબુભાઇ સોલંકી (ઉ.વ.૬૨ રહે. ધારાગઢ દરવાજા દેગુમાનો ડેલો જુનાગઢ) એ આરોપીઓ ઇમરાન તથા એક અજાણ્યો છોકરો (રહે. બંને સુખનાથ ચોક જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દીકરીને આરોપી ઇમરાનના ભાણેજ ઇરફાન સાથે સંબંધ હોય જે બાબતે ફરિયાદીની દીકરીના મોબાઇલમાં ફોટા હોય જે ફોટા કાઢી નાખવા બાબતે આરોપીઓએ ફરીયાદીના ઘરે જઇ ફરીયાદી સાથે માથાકુટ કરી બે થપ્પડ મારી ફરીયાદી તથા ફરીયાદીના દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.