સક્કરબાગ ઝુમાં હિટવેવથી પ્રાણીઓને રક્ષણ આપવા ઠંડકની વ્યવસ્થા કરાઈ

સક્કરબાગ ઝુમાં બરફની વ્યવસ્થા કરીને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને અપાતી ઠંડક

જૂનાગઢ : હાલ કાળઝાળ ગરમીને કારણે લોકો પણ પરસેવે રેબઝેબ થઈ ગયા છે. જો કે લોકો તો ગરમી સામે ઠંડા વાતાવરણનું રક્ષણ મેળવી લેતા હોય છે. પણ અબોલ પશુ-પક્ષીઓની કાળઝાળ ગરમીમાં કેવી હાલત થતી હશે તે વિચાર માત્રથી જ ધ્રુજી ઉઠાઈ છે. ત્યારે જૂનાગઢના પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ ઝુમાં આશ્રય લેતા વન્ય પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે ઠંડા-ઠંડા કુલ કુલનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ખાસ બરફની વ્યવસ્થા કરીને આ બરફથી જુદીજુદી રીતે વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓને ઠંડક આપવામાં આવે છે.

જૂનાગઢના પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ ઝુના રેન્જ ઓફિસર નીરવકુમારે જણાવ્યું હતું કે, હાલમાં સક્કરબાગ ઝુમાં પ્રશાંશન દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે બરફની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, દીપડા, વાઘ, રીછ જેવા મોટા પ્રાણીઓના પીવાના પાણીના કુંડમાં બરફ નાખવામાં આવે છે. જેથી જાહેરમાં રહેલું પાણી ગરમીથી તપી જાય તો બરફથી ઠંડુ બનાવીને આ પ્રાણીઓની તૃષા તૃપ્ત કરવામાં આવે છે. બહાર ફરતા વન્ય પ્રાણીઓ માટે ગ્રીન શેડ બનાવી તેમાં બરફના પાણીના ફુવારા કરવામાં આવે છે. જેથી ગરમીમાં પ્રાણીઓને શીતળતા મળે છે. સેલટર હાઉસમાં પણ બરફની પાટ પાથરી દેવામાં આવી છે. આ ઉપરાંત પક્ષીઓ માટે સ્પિટલરની વ્યવસ્થા કરાઈ છે. જેથી પક્ષીઓને બપોરની લુથી ઠંડુ વાતાવરણ મળે છે. ઠંડા વોટર કુંડની વ્યવસ્થા કરાઈ છે. આમ અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રાહત આપવા આ રીતે ઠંડકની વ્યવસ્થા કરાઈ છે.