રાજકોટના છ વર્ષના બાળકને ભણવું ગમતું ન હોવાથી ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચ્યો..

રાજકોટમાં પરપ્રાંતીય પરિવારના ગુમ થયેલા બાળકની પોલીસ ચોપડે નોંધ ન હોવાથી તેને પરિવારની ભાળ મેળવવાનું મુશ્કેલ કામ પણ જૂનાગઢ પોલીસે કુનેહથી પાર પાડ્યું, સામાજિક અગ્રણીઓ, બાતમીદારોને કામે લગાડીને સોશ્યલ મીડિયામાં અભિયાન ચલાવતા આખરે બાળકના માવતરનો પત્તો મળ્યો, પોલીસે સમજાવીને બાળકને તેના માતા-પિતાને સોંપી દીધો

જૂનાગઢ : નાના કુમળી વયના બાળકોના માનસમાં શિક્ષકો અને ભણતર વિશે ભારે ભય ફેલાયેલો હોય છે. જાણ્યે અજાણ્યે તોફાન કે મસ્તી કરતા બાળકને ડરાવવા માટે માતાપિતા શિક્ષક કે પોલીસનો ડર બતાવતા હોય છે. ત્યારે રાજકોટના એક છ વર્ષના બાળકના મનમાં શિક્ષકો અને ભણતર વિશે એવો ડર પેસી ગયો હતો કે તેણે ધોરણ 1 પછી ન ભણવાનું મનોમન વિચારીને ઘરબાર છોડી દીધું હતું. આ છ વર્ષનો બાળક ટ્રકમાં બેસીને જુનાગઢ પહોંચી ગયો હતો અને જૂનાગઢમાં રખડતો ભટકતો હોય એ ઇકો કારના ચાલકને ધ્યાને આવતા તેણે બાળકને જૂનાગઢ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે એક વાલીની જેમ બાળકની દેખભાળ કરી પ્રેમથી પૂછપરછ કરતા આ બાળકને ભણવું ગમતું ન હોવાથી ઘર છોડી દીધું હોવાનું ધ્યાને આવ્યા બાદ તેના માતાપિતાને શોધખોળ કરીને તેને સોંપી દીધો હતો.

જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન ખાતે ઇકો કાર ચલાવતા ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશીએ ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, એક 6 વર્ષની ઉંમરના છોકરા સાથે આવી, જણાવેલ કે, આ છોકરો મજેવડી તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરતો મળી આવેલ અને તેની માનસિક હાલત પણ બરાબર ના લાગતા, ત્યાં લાવવાની વાત કરેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ, પીએસઆઈ આર.એચ. બાંટવા, પીએસઓ એ.એસ.આઇ. દેવાયતભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે રાજકોટ મવડી ચોકડીનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ આર્યન જેમાભાઈ માતાનું નામ નીતાબેન હોવાનું અને ધોરણ 1મા અભ્યાસ કરતો હોવાનું જણાવેલ. તેના પિતાના મોબાઈલ નંબર જાણતો નહિ હોઈ, રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરતા માલવિયાનગર કે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે કોઈ જાણ કરવામાં આવેલ ના હોઈ, પોલીસ માટે તેના માતાપિતાને શોધવા કોયડો બની ગયો હતો.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મવડી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર બળુભા ઝાલા, રજનીભાઇ જોશી, વિગેરેનો સંપર્ક કરી, વિગતો આપતા, જેના આધારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિનુભાઈ ભરવાડ મારફતે જાણવા મળેલ કે, જૂનાગઢ ખાતે મળી આવેલ બાળક, રાજકોટ કોઠારિયા સોલ્વટ પાસે આવેલ મરછો નગર ખાતે રહેતા મૂળ રામપુર જિલ્લાના ઉત્તરપ્રદેશના રહેવાસી અને મજૂરી કરતા ધર્મેન્દ્રભાઈ મેપાલાલ રાજપૂતનો પુત્ર આર્યન ઉર્ફે લક્કી ઉવ. 7 હોવાનું જાણવા મળતા, તેના માતા પિતા સાથે સંપર્ક કરવામાં આવતા, પોતે મજૂરી કરે છે અને પોતાનો છોકરો બપોરના ત્રણ વાગ્યાથી ગુમ હોઈ, સાંજે પતિ પત્ની મજૂરી કામેથી પરત આવતા જાણવા મળતા, ખૂબ શોધ ખોળ કરેલી અને શોધખોળ ચાલુ જ હતી, પરંતુ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ નહિ હોવાની વિગતો જણાવેલ હતી. મળી આવેલ છોકરા આર્યન ઉર્ફે લક્કીને વધુ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા, પોતાને ભણવું નહિ હોઈ, શાળાએ શિક્ષકની બીક હોઈ, પોતે જૂનાગઢ ટ્રકમાં બેસી આવેલ હોવાની પણ વાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ દ્વારા મળી આવેલ છોકરાને જમાડી, નાસ્તો કરાવડાવતા, છોકરો સ્વસ્થ થયો હતો. તેના પરિવારજનો રાજકોટથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસ તથા ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશીનો આભાર માનેલ હતો. જૂનાગઢના ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશી દ્વારા પોતાને છોકરાની વર્તુણુંક શંકાસ્પદ લાગતા પોલીસ સમક્ષ લાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશી ની સમય સુચકતા તથા સેવાકીય ભાવના દાખવવા બદલ છોકરાના પરિવારજનો દ્વારા તેઓની પણ સરાહના કરવામાં આવેલ હતી.