જૂનાગઢની મેડીકલ કોલેજમાં હડતાલના બીજા દિવસે તબીબોએ બોલાવી રામધૂન

બે દિવસથી ઓપીડી સેવા સતત બંધ રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

જૂનાગઢ : જૂનાગઢની મેડિકલ કોલેજના ડોકટરોએ ગઈકાલે પડતર પ્રશ્ને હડતાલનું બ્રહ્માસ્ત્ર ઉગામીને મેડિકલ કોલેજના તમામ ડોકટરો હડતાલ ઉપર ઉતારી ગયા હતા અને આજે બીજા દિવસે પણ આ હડતાલ ચાલુ રહી હતી. આથી જૂનાગઢની મેડીકલ કોલેજમાં હડતાલના બીજા દિવસે તબીબોએ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢની મેડીકલ કોલેજના ડોકટરો ગઈકાલેથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જેમાં પોતાની પડતર માંગને લઈને ડોકટરોએ હડતાલ પાડી હતી. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર એસોસિએશનના નેજા હેઠળ જૂનાગઢની મેડિકલ કોલેજના ડોકટરોએ હડતાલ પાડી પોતાની પીએફ સહિતની માંગને જ્યાં સુધી નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું અને પડતર પ્રશ્ને ત્વરિત નિર્ણય લે તેવી ડોકટરોએ માંગ કરી છે. જો કે આજે બીજા દિવસે મેડિકલ કોલેજમાં ડોક્ટરોની હડતાલ ચાલુ રહી હતી. આજે બીજા દિવસે મેડિકલ કોલેજના ડોકટરોએ મેડિકલ કોલેજ ખાતે સંગીતના તાલે રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. જો કે બે દિવસથી સતત ઓપીડી સેવા બંધ રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી આ હડતાલનો વહેલીતકે નિવેડો આવે તેવી દર્દીઓએ માંગ ઉઠાવી છે.