જૂનાગઢ જિલ્લાના આકાશમાં સળગતો પદાર્થ દેખતા ભારે કુતુહલ

ધંધુસર ગામમાં અગનગોળાની હારમાળા દેખાઈ

જૂનાગઢ : જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં આકાશમાંથી સળગતો પદાર્થ ધસમસતો આવતો હોવાના દ્રશ્યો જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું અને અનેક લોકોએ આ ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હોય સળગતા પદાર્થનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે આજે શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં જૂનાગઢ જિલ્લામાં આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં ઉડતા વિમાનોની જેમ કોઈ પદાર્થ સળગતો હોય તેવું દ્રશ્ય જોવા મળતા લોકોમાં કુતુહલ વચ્ચે આશ્ચર્ય જોવા મળ્યું હતું અને કોઈ ફાયટર પ્લેન કે પછી ઉલ્કા પિંડ જેવો પદાર્થ હશે કે અન્ય કોઈ ચીજ હશે તેને લઈ તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી હતી.

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામમાં તો અગનગોળાની હારમાળા જોવા મળી હતી જૂનાગઢ લોકલ મીડિયા અપડેટના પ્રતિનિધિને પણ જાગૃત નાગરિકોએ વિડીયો મોકલી ઘટના અંગે જાણકારી આપી હતી. ઉપરાંત આ પદાર્થને લઈ અનેક નાગરિકોના ફોન પણ સતત આવ્યા હતા.