રીસામણે બેઠેલી પત્ની સાથેના ઝઘડાનો ખાર પતિએ સાળા ઉપર ઉતાર્યો

કેશોદની સરકારી હોસ્પીટલમાં પ્રસુતિ માટે પત્ની દાખલ થઈ હોય ત્યાં આવીને પતિએ મારકૂટ કરી

જૂનાગઢ : કેશોદમાં રીસામણે બેઠેલી પત્ની સાથેના ઝઘડાનો ખાર પતિએ સાળા ઉપર ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રીસામણે બેઠેલી પરિણીતાને પ્રસુતિ માટે તેનો ભાઈ સરકારી હોસ્પિટલ લઈ ગયો હોય ત્યાં આરોપી પતિએ આવીને ધમાલ મચાવી સાળાને માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરેશભાઇ અમરાભાઇ પારેડી (ઉ.વ.૪૨ રહે.નોંજણવાવ ગામ વાડી વિસ્તાર તા.કેશોદ) એ તેના બનેવી સૂર્યદિપ પ્રવિણભાઇ બાબરીયા (ઉ.વ.૩૪ રહે.પ્રાસલી તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી બનેવી થતો હોય અને ફરીયાદીની બહેન પ્રસુતી માટે કેશોદની સીવીલ હોસ્પીટલમા સારવારમા હોય અને ફરીયાદીની બહેન છેલ્લા ચારેક મહીનાથી તેમના પતિ સાથે થયેલ ઝઘડાના કારણે ફરીયાદીના ઘરે રીસામણે હોય જે વાતનુ મનદુખ રાખી આરોપીએ ફરીયાદીના બહેનને હોસ્પીટલ આવી ગાળો આપતો હોય જેથી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા ફરીયાદીને તથા સાહેદને ગાળો કાઢી ઢીકાપાટુનો મુંઢ માર મારતા આ મારમાંથી બચવા ફરીયાદીએ આરોપીનો હાથ પકડવા જતા આરોપીએ ફરીયાદીના ડાબા હાથની ટચલી આંગળી પકડી મરડી નાખી ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.