જૂનાગઢમાં બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

ત્રણ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્ટો સાથે મળી કુલ કિ.રૂ.૨૮,૦૫૦ના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટની હાઇસ્કુલના એક કર્મી સહિત બે ફરાર

જૂનાગઢ : જૂનાગઢમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરવા માટે કેટલાક શખ્સો ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવતા હોવાની બાતમી મળતા પોલીસે ગઈકાલે એક મકાનમાં છાપો મારીને બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્ટો સાથે મળી કુલ કિ.રૂ.૨૮,૦૫૦ના મુદામાલ સાથે એકની ધરપકડ કરી હતી. જો કે અન્ય બે ફરાર થઈ ગયા હતા.

જૂનાગઢના દોલતપરામાં આવેલ નેમીનાથનગર-૨ના એક મકાનમાં બોર્ડની પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવાતી હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે એ મકાનમાં રેઇડ કરી હતી. પોલીસના દરોડા દરમિયાન એક આરોપી જીજ્ઞેશ જગદીશભાઇ પરમાર (ઉવ.૨૮ રહે. દોલતપરા નેમીનાથનગર – ૦૨ જુનાગઢ) ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ રાજુભાઇ વ્યાસ રહે.રાજકોટ (નોકરી લાલબહાદુર શાસ્ત્રી હાઇસ્કુલ લીમડા ચોક રાજકોટ), ડોડીયા ચિરાગ જેન્તિભાઇ (રહે.રાજકોટ) પોલીસની હાથમાં આવ્યા ન હતા.

વધુમાં આ ત્રણેય આરોપીઓ એકબીજાની મિલીભગથી પુર્વે આયોજીત કાવતરૂ રચી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા – માર્ચ ૨૦૨૨ ના પ્રવેશપત્રમાં અસલ વિદ્યાથીના ફોટાની જગ્યાએ અન્ય વ્યકિતના ફોટા વાળી બનાવટી રીસીપ્ટો બનાવવાના ઉદેશથી મેળવી તે ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે રેઇડ દરમ્યાન એક આરોપીના મકાનેથી રીસીપ્ટ બનાવવાના માટે ઉપયોગમાં લીધેલ લેપટોપ નંગ – ૧ કિ.રૂ.૨૫,૦૦૦ તથા મોબાઇલ – ૧ કિ.રૂ.૩,૦૦૦ તથા ચાર્જર -૧ કિ.રૂ.૫૦ તથા બેગી -૧ તેમજ કુલ-૩ વિદ્યાર્થીઓની અસલ તેમજ ઝેરોક્ષ રીસીપ્ટો સાથે મળી કુલ કિ.રૂ.૨૮,૦૫૦ મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ કૌભાંડ અંગે સઘન તપાસ હાથ ધરી છે.