મેવાસાબાવાના ગામની તૃપ્તિ કોરાટે “કેસુડા એ હર્બલ” સાબુ બનાવ્યો

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત બહાઉદ્દીન કોલેજ ખાતે “કેસુડા એ હર્બલ” સોપ પ્રોજેક્ટ લોન્ચ કરાયો

કોલેજોમાં ચાલતા SSIP સેલ દ્વારા વિદ્યાર્થીઓને પગભર કરવાનું આયોજન

જૂનાગઢ : રાજ્ય સરકારશ્રી યુવાઓને પગભર બનાવવા કટ્ટીબધ્ધ છે. જૂનાગઢ બહાઉદ્દીન કોલેજમાં ચાલતા SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન) પોલીસી અંતર્ગત વિદ્યાર્થીની તૃપ્તિ કોરાટે કેસુડાનો સાબુ બનાવ્યો છે. જેમાં સરકારશ્રી દ્વારા તેમને રૂા.૩૫ હજારની મદદ મળતા તેમણે રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી સાબુ બનાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ સાબુનું જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક કમિશનરશ્રી નારાયણ માધુ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી સહિતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “કેસુડા એ હર્બલ” સોપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

કેસુડાનો સાબુ બનાવનાર વિદ્યાર્થીની તૃપ્તિ જયંતિભાઇ કોરાટે જણાવ્યું હતું કે, બહાઉદ્દીન કોલેજમાં ગત વર્ષે અભ્યાસ કરતી હતી. ત્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી હેઠળ ચાલતા પ્રોજેક્ટ અંગે પ્રોફેસર ધર્મેશ પી.વાવૈયા સહિતના પ્રોફેસરો દ્વારા માર્ગદર્શન સાથે સાબુ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમના માર્ગદર્શન મુજબ SSIP પ્રોજેક્ટ હેઠળ કેસુડાના સાબુ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં સરકારશ્રી દ્વારા રૂા.૩૫ હજારની સહાય મળતા મે સુરતની એક કંપની પાસેથી સાબુનું રો-મટીરીયલ અને મશીનરીની ખરીદી કરી કેસુડાનો સાબુ બનાવવાનું શરૂ કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાબુના રો-મટીરીયલમાં કેસુડાના ફુલ, નારિયેલ તેલ, વીટામીન-ઇ અને સુગંધીત ઓઇલનો ઉપયોગ કર્યો છે. તેમાં કોઇપણ પ્રકારના કેમીકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સાબુ બનાવવા માટે રો-મટીરીયલ મશીન, પેકીંગ મશીન, શીલ મશીન, વજન કાંટા સહિતની ખરીદી કરી છે. આ સાબુ તૈયાર થતા રૂા.૩૦ નો ખર્ચ થાય છે. જ્યારે હું તેમને બજારમાં રૂા.૩૫ માં વેચું છું. સરકારશ્રીની રૂા.૩૫ હજારની સહાય સાથે મે રૂા.૫૦ હજારનો ખર્ચ કરી કેસુડાના સાબુનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને બહાઉદ્દીન કોલેજ ખાતે મહાનુભાવોના હસ્તે તેમનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. હવે સાબુનું રજિસ્ટ્રેશન અને ટેગ માર્ક લગાવવાનો બાકી છે. ત્યારબાદ હું કોઇ કંપની સાથે માર્કેટીંગ કરી તેને બજારમાં અથવા મારી રીતે ઘરે જ તેમનું વેચાણ કરીશ.

કેસુડાના સાબુથી થતા ફાયદા

કેસુડાથી બનેલા અને કોઇપણ પ્રકારના કેમીકલનો ઉપયોગ ન થનાર કેસુડાના સાબુથી ઉનાળાના તડકામાં ઠંડક મળશે તેમજ ચામડીના થતા રોગમાંથી પણ મુક્તી મળશે.

ગ્રામ્ય વિસ્તારની યુવતી બની પગભર

સરકારની SSIP યોજના હેઠળ માર્ગદર્શન મેળવી જૂનાગઢના મેવાસાબાવાના ગામની તૃપ્તિબેન આજે પોતાનો બિઝનેશ શરૂ કર્યો છે. જ્યારે તેમના પિતા તો ખેતમજુરી કરે છે. ત્યારે હવે દિકરી પગભર બની પરીવારને મદદરૂપ બનશે અને તૃપ્તિ અન્ય મહિલા અને યુવતી માટે પ્રેરણારૂપ સાબિત થશે.