માધવપુર ઘેડ ખાતે ૧૦ થી ૧૪ એપ્રિલ સુધી પરંપરાગત મેંળો ભરાશે

માધવપુરના મેળાના આયોજન અર્થે કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

મેળાના સુચારૂ આયોજન માટે વિવિધ ૧૧ સમિતિની રચના કરાઇ

જૂનાગઢ : પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાનાર મેળામાં રાષ્ટ્રપતિ- આઠ રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેનાર છે. ત્યારે યજમાન પોરબંદર જિલ્લા વહિવટી તંત્રને મદદરૂપ થવા તેમજ આ દરમીયાન પોરબંદર સલંગ્ન જિલ્લા જૂનાગઢમાં ટુરિસ્ટ સર્કિટ બને એ માટે આજે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે તા. ૧૦ થી ૧૪ એપ્રિલ ૫ દિવસ સુધી મેળો યોજાનાર છે. મેળાના આયોજન અંગે કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, આ વખતે રાષ્ટ્રપતિ તેમજ ઉતરપૂર્વના ૮ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહનુભાવો પધારનાર છે. ત્યારે યજમાન જિલ્લા પોરબંદર વહિવટીતંત્રને મદદરૂપ થવા તેમજ મેળાને ફક્ત સ્થાનિક જ નહિ પરંતુ રાષ્ટ્રીય ફલક પર નોંધ લેવાઇ અને માધવપુર મેળાની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં ટુરિસ્ટ સર્કિટ વિકસે એ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન – સૂચનાઓ આપી હતી.

માધવપુર ખાતે યોજાનાર આ રાષ્ટ્રીય મહોત્સવતે સુચારૂ રીતે પાર પડવા માટે નિવાસી અધિક કલેકટર, ડીઆઆરડીએ નિયામક, પ્રાંત અધિકારી સહિતની અધ્યક્ષતામાં કુલ ૧૧ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં માધવપુરના મેળા ખાતે યાત્રિકોના આવાગમન સમિતિ, ધાર્મિક સંકલન સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વીવીઆઇપી મહાનુભાવો તથા યાત્રિકોના રહેઠાણો અંગેની સમિતિ, સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા મુખ્ય નોડલ અધિકારી, સ્ટાફ મેનેજમેન્ટ સમિતિ, પ્રોટોકોલ સમિતિ, ક્રુ મેમ્બર્સ પ્રોટોકોલ સમિતિ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, પીવાના પણીની સમિતિ, ટ્રાફીક મેનેજમેન્ટની સમિતિની રચના કરવામાં આવી છે.

આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, ડીઆરડીએ નિયામક જાડેજા, અધિક નિવાસી કલેકટર એલ.બી.બાંભણિયા, જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમી કેશવાલા, કિશન ગરચર, મામલતદાર,ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

માધવપુરનો મેળો માધવપુરના આંગણે ચૈત્ર સુદ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષમણિના લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને પાંચ દિવસનો મેળો ભરાય છે. જે ચૈત્ર સુદ ૧૩ ના દિવસે પૂર્ણ થાય છે. આ મેળાની શરૂઆત તેરમી સદીની આસપાસ થઇ હોવાનું માનવામાં આવે છે.

માધવપુરનો માંડવો, આવે જાવદ કુળની જાન,પરણે રાણી રૂકમણી જ્યાં, વર દુલ્હા ભગવાન

ભગવાન વિષ્ણુંના અવતાર શ્રીકૃષ્ણને લાડ લડાવવા તેમના લગ્નની ઉજવણી માધપુર ઘેડમાં પાંચ દિવસ કરવામાં આવે છે. આ મેળામાં આજુબાજુના ગામના સેવકો, મંડળો શ્રી માધવરાયજી મંદિર ટ્રસ્ટ સાથે રહીને સઘણી વ્યવસ્થા સંભાળે છે. ખાસ કરીને અહીં રબારી, કોળી, મેર, આહિર સમાજના લોકો અગાઉ તેમના પરંપરાગત પહેરવેશે આવતા તેમજ અલગ-અલગ સાસ્કૃતિક કાર્યક્રમો રાસની રમઝટ બોલાવતા. હવે દેશ-વિદેશથી પણ આ મેળાને માણવા લોકો આવે છે.

મેળાને લઇને જૂનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળો, હવેલીને સુશોભિત કરાશે

માધવપુરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો શ્રીકૃષ્ણ-રૂક્ષમણિજીના વિવાહ-મેળાને નિહાળવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે માધવપુર મેળાની સાથે જ પોરબંદરની આજુબાજુના જિલ્લામાં ટુરિસ્ટ સર્કિટ વિકસાવવા માટે સરકારશ્રી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માધવપુર મેળાની મુલાકાત દરમિયાન મહાનુભાવો, શ્રધ્ધાળુઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે. ત્યારે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર સમા અંબાજી, રોપ-વે, સાસણ, ઉપરકોટની પણ મુલાકાત લે એવી શકયતા છે. જેના વ્યવસ્થાપન અંગે પણ સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ હવેલીઓનું સુશોભન, શણગાર પણ કરવામાં આવશે.