તમે અહીંથી કેમ નીકળો છો કહી દંપતી ઉપર હુમલો

મેંદરડાના અરણીયારા ગામની સીમમાં બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મેંદરડાના અરણીયારા ગામની સીમમાં તમે અહીંથી કેમ નીકળો છો કહી બે શખ્સો દંપતી ઉપર લાકડીથી તૂટી પડી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હરસુખભાઇ રાજાભાઇ જાદવ (ઉ.વ.૪૨ રહે.અરણીયારા તા.મેંદરડા જી.જુનાગઢ) એ આરોપીઓ કાનાભાઇ ઉર્ફે કાનજીભાઇ વશરામભાઇ આર્દેશણા, કીરીટભાઇ કાનાભાઇ ઉર્ફે કાનજીભાઇ આર્દેશણા (રહે.બંન્ને અરણીયારા તા.મેંદરડા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા તેના પત્નિ ગઈકાલે વાડીએ થઇને ઘરે જમવા માટે નીકળેલ હતા અને રાજાભાઇના ખેતર પાસે પહોંચતા, રાજાભાઇના કાકા કાનાભાઇ તથા તેનો દીકરો કીરીટભાઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીને કહેલ કે તમે અહીંથી કેમ નીકળો છો તેમ કહી ગાળો બોલી ફરીયાદીને માથામાં તેમજ વાસામાં લાકડી વડે ઘા મારતા ત્રણ ટાંકા આવેલ તથા ફરીયાદીની પત્નીને પણ શરીરે લાકડી વડે ત્રણેક ઘા મારી ઇજા કરી હતી.