જૂનાગઢની જીલ્લા જેલમાં કેદીને વોર્ડમાં પુરાઈ જવાનું કહેતા સ્ટાફ ઉપર હુમલો

જેલ સ્ટાફના કર્મચારીએ એક કાચા કામના કેદી સામે હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢની જિલ્લા જેલમાં વારંવાર મોબાઈલ મળવા જેવી કેદીઓની ગંભીર હિલચાલ વચ્ચે હવે એક કાચા કામના કેદીએ જેલ સ્ટાફના કર્મચારી ઉપર હુમલો કર્યો બનાવ સામે આવ્યો હતો. જેમાં જેલની બહાર રહેલા કેદીઓને બંદીવાન થવાનો સમય થતા જેલ સ્ટાફના કર્મચારીએ કેદીઓને પોતાના વોર્ડમાં જતા રહેવાનું કહેતા એક કેદીએ ઉશ્કેરાઈ જઈને જેલ સ્ટાફના કર્મચારી ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિનાથ કિશોરનાથ આઇપંથી (ઉ.વ-૨૪ રહે. જેલ સ્ટાફ કવાટર્સ જુનાગઢ) એ આરોપી અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ (રહે.હાલ જીલ્લા જેલ જુનાગઢ કાચા આરોપી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૬ના રોજ સાંજના સાડા છ એક વાગ્યના અરસામા જૂનાગઢની જીલ્લા જેલમાં આરોપીને ફરજ ઉપરના ફરીયાદીએ જેલ બંધીનો સમય પુરો થતો હોય જેથી પોતાના રૂમમા (વોર્ડમા) જવા જાણ કરતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ત્યા પડેલ કાચ લઇ ફરીયાદીને પેટમા મારવા જતા ફરીયાદી એકદમ નીચે બેસી જતા આ કાચથી ફરીયાદીને આંખની ઉપર સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.