જૂનાગઢના પ્રભાતપુરના ખેડૂતોએ પીજીવીસીએલના ઇજનેરને નોટિસ ફટકારી

ચાર દિવસથી વીજ પુરવઠો નહીં આપતા નુકશાની જવાથી એકર દીઠ ૨૫ હજાર વળતરનું માંગ્યું

જૂનાગઢ : સરકાર દ્વારા ખેડૂતોને નિયમિત આઠ કલાક વીજપુરવઠો આપવાના દાવા વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ખેડૂતોએ માત્ર બે કલાક વીજળી મળતી હોવાનું જણાવીને વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું. દરમિયાન આજે જૂનાગઢના પ્રભાતપુરમાં ચાર દિવસથી વીજ પુરવઠો નહીં આપતા ખેડૂતો આકરાપાણીએ થઈને આ અંગે પીજીવીસીએલના ઈજનેરને નોટિસ ફટકારી ચાર દિવસથી વીજ પુરવઠો નહીં આપતા નુકશાની જવાથી એકર દીઠ ૨૫ હજાર વળતરનું માંગ્યું છે.

જૂનાગઢના પ્રભાતપુરમાં ચાર દિવસથી વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો લાલઘૂમ બન્યા છે અને ચાર દિવસથી વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આથી રોષે ભરાયેલા ખેડૂતોએ પીજીવીસીએલના ઇજનેરને લીગલ નોટિસ ફટકારી છે. જેના બીલખા વીજ કચેરી દ્વારા પ્રભાતપુરને વીજ પુરવઠો નહિ આપતા ચણા અડદ તલના પાકને પાણી ન મળતા નુકસાની થઈ હોય એકર દીઠ ૨૫ હજાર વળતર ચૂકવવાની માંગ કરી છે.

નોટિસમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, જુનાગઢ જીલ્લા તથા તાલુકાના પ્રભાતપુર ગામ મુકામે છેલ્લા ચાર દિવસથી પીજીવીસીએલ ક્ચેરી બીલખા દ્વારા પ્રભાતપુરના ખેડુતોને વીજ સપ્લાય આપવામાં આવી રહ્યો નથી. જેથી પ્રભાતપુર ગામના ખેડુતોને ચાલુ વર્ષેનુ ઉનાળુ વાવેતર તલ, મગ, અળદ સંપૂર્ણ પણે નાશ પામેલ હોય, અવાર નવાર ટેલીફોનીક તથા રૂબરૂ જઈ રજુઆત કરવા છતા ઈજનેર યોગ્ય પ્રત્યુતર પાઠવતા ન હોય, તેથી પ્રભાતપુર ગામના ખેડુતોને પ્રતિ એકર રૂા.૨૫,૦૦૦ ચૂકવી આપવા બાબતે બીલખા પીજીવીસીએલ. કચેરી ઈજનેરને એડવોકેટ મારફતે ખેડૂતોની નુકશાની ભરપાઈ કરવા બાબતે લીગલ નોટીસ આપવાની ફરજ પડેલ છે.