માળિયા હાટીનામાં વિશ્વ ટી.બી. દિવસે દર્દીઓને કઠોળનું વિતરણ કરાયું

ટી.બી.ની સંપૂર્ણ સારવાર અંગે દર્દીઓને માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : વિશ્વ ટી.બી. દિવસની ઉજવણીના ભાગરૂપે માળિયા હાટીના તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ની સારવાર લેતા દર્દીઓને કઠોળ વિતરણ કરી સંપૂર્ણ નિદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ ટી.બી. દિવસ ઉજવણીના ભાગરૂપે માળિયા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ રૂપે ટી.બી.ની સારવાર લીધેલ દર્દી(ઓછામાં ઓછી ૧ માસથી વધુ સારવાર થયેલ) ને બોલાવી સારવારમાં ખુબજ ઉપયોગી એવું કઠોળ જેમ કે, ચણા અને મગ આપી તેના ફાયદા અંગે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત વહેલું નિદાન, સંપૂર્ણ સારવાર અને ફોલોઅપ વિશે તાલુકા હેલ્થ સુપરવાઈઝર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા માહિતી આપી આ રોગ સંપૂર્ણ અને યોગ્ય સારવારથી મટી શકે છે તેવું સમજાવવામાં આવ્યું હતું.

મુખ્યત્વે ટી.બી. સીગારેટ, તમાકુ સહિતના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો હાલ ૧૪૮૭ દર્દીઓ ટી.બી.ની સારવાર મેળવી રહ્યા છે. જેમાં જૂનાગઢ શહેરનાં ૬૫૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૨૮ દર્દીઓ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૧,૧૫,૩૪૪ ટી.બી. પેશન્ટ છે. ટી.બી. પેશન્ટને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર માટે રૂા.૫૦૦ માસીક સહાય પણ ચુકવવામાં આવે છે.