જુનાગઢમાં સાંસ્કૃતિક અમૃત યાત્રામાં સંગીતકાર-કલાકારોએ દેશભક્તિના સુર રેલાવ્યા

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ગાયક પાર્થિવ ગોહિલ, સાંત્વની ત્રિવેદીના કંઠના કામણે સંગીત પ્રેમીઓને ઘેલુ લગાડયુ

કલાકારોના ગીતો સાથે જૂનાગઢવાસીઓ ગરબે ઘૂમ્યા

જૂનાગઢ :જૂનાણામાં જાવું કે, દામોદરકુંડમાં નાવું એ હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું…… ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જેવી રચનાઓ દ્વારા જાણીતા કલાકારોએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમમાં દેશભક્તિના સુર રેલાવ્યા હતા. સાથે જ દેશને મહામુલી આઝાદી સાથે જોડાયેલ પ્રસંગોને પણ રજૂ કરી જૂનાગઢવાસીઓને દેશભકિતમાં ભાવવિભોર કર્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ ખાતે સાંસ્કૃતિક અમૃત યાત્રા યોજાઇ હતી. જેમાં ૧૨૫ જેટલા કલાકારો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવમાં કલાકારો, ગાયકોએ તેમના અભિનય થકી મહામૂલી આઝાદી અપાવનાર પ્રસંગો અને કલાકારોના સંગીતના માધ્યમથી આહુતી આપી હતી.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની અમૃત યાત્રા શીર્ષક હેઠળ પાર્શ્વ ગાયક પાર્થિવ ગોહિલ, સાંત્વની ત્રિવેદી, બહાદુર ગઢવી, પરીન્દા જાનીએ વિવિધ રચનાઓ દ્વારા જૂનાગઢના સંગીતપ્રેમીઓને રસતરબોળ કર્યા હતા. સાથે જ કલાકારો દ્રવારા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગો પર આધારીત અદ્દભુત મલ્ટી મીડિયા શો નિહાળી જૂનાગઢવાસીઓ અભિભુત બન્યા હતા. જૂનાગઢની રાધા મહેતાએ જૂનાગઢ મુક્તિ દિન ઘટના રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન જાણીતા લોકસાહિત્યકાર ડો.રણજીત વાંકે કર્યું હતું.

કાર્યક્રમમાં જૂનાગઢ મનપા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણા, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, આદ્યાશક્તિબેન મજમુદાર, જયોતિબેન વાછાણી, કોર્પોરેટરો, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેત્તૃત્વમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્ર વ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમ અને જનચેતના ઉભી થાય એ છે. ભારતનો ભવ્ય ભુતકાળ, અમુલ્ય વિરાસત, ત્યાગ બલિદાનની પરંપરાથી લોકો માહિતગાર થાય એ ઉમદા આશય છે. ભારત પાસે ગર્વ કરવા માટે અખુટ ભંડાર અને ચેતનામય સમૃદ્ધ વારસો રહેલો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીથી રાષ્ટ્રના વારસા રૂપી આ અમૃત ભારતની વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે. જેથી યુવાનોમાં વૈચારીક ક્રાતિ આવશે.