આઠ કલાક વીજળીના વાયદા વચ્ચે જૂનાગઢમાં માત્ર બે કલાક વીજળી અપાતા ખેડૂતો ધુવા-પુઆ

જુનાગઢ જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ વીજ કચેરીએ મોરચો માંડી શર્ટના બટન ખુલ્લા કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું, તંત્રને આવેદન આપી ચાર દિવસમાં યોગ્ય વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી

જૂનાગઢ : રાજ્યના કૃષિમંત્રી દ્વારા આઠ કલાક વીજળી આપવાના વાયદા વચ્ચે જૂનાગઢ જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતરની સિઝન સમયે જ વીજધાંધિયાથી ખેડૂતો રોષે ભરાયા છે. આથી ઉનાળુ સિઝન સમયે જ માત્ર બે કલાક વીજળી મળતા ખેડૂતો ધુવા-પુઆ થઈને વીજ કચેરીને ઘેરાવ કરી ધરણા પ્રદર્શન કર્યું હતું. જેમાં જુનાગઢ જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ વીજ કચેરીએ મોરચો માંડી શર્ટના બટન ખુલ્લા કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તંત્રને આવેદન આપી ચાર દિવસમાં યોગ્ય વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને અપાતા વિજ પુરવઠામાં ધાંધિયાને લઈને આજે ભારતીય કિશાન સંઘના ધરણાં કર્યા હતા. જેમાં આઝાદ ચોક પીજીવીસીએલ કચેરી ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં કરી સુત્રોચ્ચાર કરાયા હતા. જો કે રોષે ભરાયેલા ખેડુતોને શર્ટના બટન ખુલ્લા કરી સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં વીજળી અમને પુરી આપો, હમારી માંગે પુરી કરો જેવા સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય કીશાન સંઘના નેજા હેઠળ આઝાદ ચોકમાં આવેલી પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોએ ઘસી જઈને આ કચેરીને ધરાવ કરી યોગ્ય રીતે વીજ પુરવઠો આપવાની ઉગ્ર માંગ કરી હતી તેમજ ભારતીય કિશાન સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત કરી વીજ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યોગ્ય રીતે વિજ પુરવઠો ચાર દિવસમાં નહીં આપવામાં આવે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘ પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ ઉનાળુ વાવેતરની સિઝન ચાલી રહી છે. ત્યારે આ અણીના સમયે ખેડૂતોને માત્ર બે કલાક જ વીજળી આપવામાં આવે છે. જેના કારણે વાવેતર થઈ શકતું નથી અને મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતરનો ખર્ચ માથે પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતો હેરાન પેરાશન થઈ ગયા છે. આથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે આજે આ આંદોલન કરવામાં આવ્યું હતું અને ઉર્જામંત્રીને સાબોધીને આવેદન આપી જો ચાર દિવસમાં ખેડૂતોને યોગ્ય રીતે વીજળી નહિ મળે તો અત્રેની કચેરીને તાળાં મારી દેવાશે તેમ તેમણે જણાવ્યું હતું.