જૂનાગઢમાં માત્ર 42 દિવસના બાળકની જટિલ સર્જરી કરી જીવ બચાવતા તબીબો

જન્મથી જ કરોડરજૂની બીમારીથી પીડાતા બાળકને બચાવવા મેટ્રો શહેરની હોસ્પિટલે હાથ ઊંચા કર્યા બાદ જૂનાગઢના તબીબોએ ચેલેન્જ ભરી જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી

જૂનાગઢ : જૂનાગઢમાં સૌપ્રથમવાર માત્ર 42 દિવસના બાળક ઉપર જટિલ તબીબી સર્જરી કરવામાં આવી હતી અને આ સર્જરી સફળ રહી હતી. જન્મથી જ કરોડરજૂની બીમારીથી પીડાતા માત્ર 42 દિવસના બાળકની જટિલ સર્જરી કરવામાં મેટ્રો શહેરની હોસ્પીટલોએ હાથ ઉંચા કરી દેતા આ ચેલેન્જ ભર્યા ઓપરેશન માટે જૂનાગઢના તબીબોએ બાળકને બચાવવા નીર્ધાર કરી બાળકને નવજીવન આપ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના કોડીનારમાં રહેતા એક દંપતીના બાળકના જન્મની સાથે કરોડરજૂની ગંભીર બીમારી હતી. આ બાળક માત્ર 42 દિવસનો જ હતો. તેથી કરોડરજૂની ગંભીર બીમારીને કારણે આ બાળકના જીવ ઉપર જોખમ હતું. આથી પોતાના બાળક માટે ચિંતિત દંપતીએ મેટ્રો શહેરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.જ્યાં મેટ્રો શહેરની હોસ્પિટલે 42 દિવસના બાળક ઉપર શસ્ત્રક્રિયા કરવી જોખમી હોવાથી જટિલ ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી.

આખરે દંપતીએ પોતાના બાળકને સાજો કરવા માટે હિંમત ન હારીને આ સારવાર માટે પોતાના વતન જૂનાગઢની હોસ્પિટલ ઉપર આશા સેવીને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ હોસ્પિટલના તબીબોએ 42 દિવસના બાળકના તમામ રિપોર્ટ કરી યોગ્ય નિદાન કર્યા બાદ ખૂબ જ ગંભીરતાપૂર્વક જટિલ સર્જરી કરી હતી અને કાબેલ ડોક્ટરોની મહેનત રંગ લાવી હતી અને આ બાળકનું પ્રથમ વખત જ સફળતાપૂર્વક ઓપરેશન થયું હતું બાળકનો જીવ બચી જતા તેના માતાપિતાની આંખો હર્ષના આસુથી છલકી ઉઠી હતી અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.